• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Bhupendra Patel Paid Rs. Opening The Iconic Bus Port Built At A Cost Of Rs 37.82 Crore, He Said, "BJP Gives Priority To Public Welfare, Welfare And Antyodaya Works".

CMના હસ્તે વિકાસ કાર્યોની લહાણી:ભૂપેન્દ્ર પટેલે રૂ. 37.82 કરોડના ખર્ચે બનેલા આઈકોનિક બસ પોર્ટને ખૂલ્લું મૂક્યું, કહ્યું, "ભાજપ લોકહિત, જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે છે"

પાલનપુર21 દિવસ પહેલા
  • રૂ. 118 કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા 220 કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં 29 હજાર 700 ચોરસ મીટર વિસ્તારમાં રૂપિયા 37.82 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને 118 કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા 220 કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું. રૂ. 118 કરોડના ખર્ચે બનનારું સીસરાણા સબ સ્ટેશન બનાસકાંઠા જિલ્લાના 24 હજાર ખેડૂતો સહિત કુલ 1 લાખ 20 હજાર ગ્રાહકોને સતત વીજ પૂરવઠો પૂરો પાડવામાં ઉપયોગી બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, રાજ્યમંત્રી કીર્તિસિંહ, સાંસદ દિનેશ આનાવાડીયા, ભરતસિંહ ડાભી, પરબત પટેલ, ધારાસભ્ય અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિકાસ કામોના લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત કર્યાં હતાં. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી દ્વારા રાજ્યમાં આવા અદ્યતન સુવિધાસભર 7 આઈકોનિક બસપોર્ટ પી.પી.પી.ના ધોરણે નિર્માણ પામીને પેસેન્જર સેવામાં કાર્યરત છે અને 10 સેટેલાઈટ બસ પોર્ટ નિર્માણાધીન છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકહિત, જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે છે. વિકાસના પાયામાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા એ ત્રણ બાબત મુખ્ય છે અને તે સૌને મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે. ગામડામાં સારા રસ્તા, સારી આરોગ્ય સેવા, પૂરતી વીજળી આપીને આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં અનેક વિકાસ કામો વડાપ્રધાનના માર્ગદર્શનમાં કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના લોકોને સુવિધા સરળતાથી મળે તેવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્ધાર 8 વર્ષોના તેમના સુશાસનમાં પાર પાડ્યો છે તેમ મુખ્યમંત્રીએ દ્દઢતાપૂર્વક જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કોરોના મહામારી દરમિયાન એસ.ટી નિગમના કર્મચારીઓએ આપેલી સેવાઓની સરાહના કરતાં કહ્યું હતું કે 23 હજાર બસ દ્વારા 6.99 લાખ મુસાફરોને લાભ આપનારા એસટીના આ સેવકો અભિનંદનને પાત્ર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી. 1960માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી 2002 સુધીમાં 702 વીજ સબ સ્ટેશન બન્યા હતા. બે દાયકામાં રાજ્યમાં 1549 નવા વીજ સબ-સ્ટેશન બન્યા છે, એટલે કે દર વર્ષે એવરેજ 78 વીજ સબ સ્ટેશનનું નિર્માણ થાય છે.

નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટ વિશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂ. 37.28 કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠા એસ.ટી. ડિવીઝન દ્વારા દિવસ દરમ્યાન કુલ- 1920 ટ્રીપો ચલાવી જિલ્લાના લોકોને પરિવહન સુવિધા પુરી પાડવામાં આવે છે.

આ બસ પોર્ટની કુલ જમીનનો વિસ્તાર- 29.742 ચોરસ મીટર છે. બસ ટર્મિનલ બિલ્ટઅપ વિસ્તાર-38.665 ચોરસ મીટર છે. એલાઇટીંગ અને બોર્ડિગ પ્લેટફોર્મ 25 ચોરસ મીટર પેસેન્જર કોન્કર્સ વિસ્તાર 2242 ચોરસ મીટર કોમન વેઇટિંગ રૂમ 100 ચોરસ મીટર લેડીઝ વેઇટિંગ રૂમ 50 ચોરસ મીટર શોપ, રેસ્ટોરન્ટ અને કિયોસ્ક- 925 ચોરસ મીટર ક્લોક રૂમ-25 ચોરસ મીટર ઇન્કવાયરી, રિઝર્વેશન અને ટિકીટીંગ, પેસેન્જર અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન 150 ચોરસ મીટર વહીવટી ઓફિસ- 50 ચોરસ મીટર રેસ્ટરૂમ અને ડોરમેટરી 200 ચોરસ મીટર સ્ટોર રૂમ, પાર્સલ રૂમ અને સ્ટાફ ડિસ્પેન્સરી 70 ચોરસ મીટર તથા એસ.ટી. વિભાગીય કચેરી 70 ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે. વર્ગ-1 માટે 1, વર્ગ 2 માટે 11 અને વર્ગ-3 માટે 140 ની બેઠક વ્યવસ્થાવાળી કચેરી તથા એસ.ટીના કર્મચારીઓને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર બનાવાયાં છે.

મુસાફરલક્ષી સુવિધાઓમાં ટિકીટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, ડિજીટલ ડિસપ્લે સાથેની આવામગનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિએબલ સાઇન બોર્ડ, બસ સ્ટેશન ઓફિસ, સી.સી.ટી.વી.કેમેરા, વોલ્વો વેઇટિંગ રૂમ, વ્હીલ ચેર, લગેજ ટ્રોલી, બેઠક વ્યવસ્થા, કેન્ટીન,રેસ્ટોરન્ટ, ડોરમેટરી અને ક્લોક રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઇ છે વાણિજ્યિક સુવિધાઓમાં રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ,ફૂડ કોર્ટ,પ્લા,ઝા, વ્યાવસાયિક ઓફિસો અને શો- રૂમ, બજેટ હોટલ, સિનેમા હોલ, ગેમ ઝોન વિગેરની વ્યવસ્થા એક જ સ્થળ પર ઉપલબ્ધ હોવાથી મુસાફરોને સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...