પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે પવિત્ર ચાતુર્માસને લઇ જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાઇ રહ્યું છે. રવિવારે વ્યાખ્યાનમાં ‘ભવની ગણત્રી સમ્યક્ત્વ પ્રાપ્તિથી થાય છે તો જીવનની ગણત્રી ધર્મ પ્રાપ્તિથી થાય છે’ તેનું મહત્વ સમજાવ્યું હતું. મુનિશ્રીનું વ્યાખ્યાન સાંભળવા મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા., મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યો છે.
ત્યારે આચાર્ય ભગવંતો સાધુ- સાધ્વીજીઓ વિહારને વિરામ આપી જયાં છે, ત્યાં સતત માનવ હૃદય મનમાં સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. પાપ અને પૂણ્યની વ્યાખ્યા સંપૂર્ણપણે આપવાનું મુશ્કેલ છે. કારણ કે એમાં મતમતાંતરને ઝાઝો અવકાશ છે. પણ સરળ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે પાપ એટલે બૂરું કામ જે અંતઃકરણને ખટકે, ધર્મ, નીતિ, માનવતા કે સત્ય વિરુધ્ધનું અશુભ કાર્ય તે પાપ, દુષ્કૃત્ય તે પાપ, અહિતકારક કૃત્ય તે પાપ. વિરુધ્ધનું અશુભ કાર્ય તે પાપ, દુષ્કૃત્ય તે પાપ, અહિતકારક કૃત્ય તે પાપ. જૈનધર્મમાં અઢાર પ્રકારનાં પાપોનો ઉલ્લેખ મળે છે.
જીવહિંસા, જૂઠું બોલવું, ચોરી, વિષયોનું સેવન, પરિગ્રહ, ક્રોધ, અહંકાર, કપટ, લોભ, રાગ, દ્વેષ, કલહ કોઈ પર આળ ચડાવવું, ચાડી, પારકી નિંદા, રતિઅરતિ, માયામોહ, કુગુરૂ, કુદેવ અને કુધર્મની આસ્થારૂપ શલ્ય, હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભ ભાવ તે ભાવ પાપ. અને તેને નિમિત્તે જડની શક્તિથી પરમાણુઓનો જથ્થો સ્વયં બંધાય તે દ્રવ્ય પાપ. કઠોર વાણી, મિથ્યા વચન, સર્વપ્રકારની ચાડી ખાવી, નિષ્પ્રયોજન વાર્તા નવએ ચાર વાણીનાં પાપ ગણાય છે. ભગવદ્ગોમંડલએ સંદર્ભે જણાવે છે કે ‘કરવા જેવું કામ ન કરવું તે પાપ છે તેમ નહીં કરવા જોગ કામ કરવું તે પણ પાપ છે.
પાપીનો સંસર્ગ કરનાર પણ પાપનો ભાગીદાર અને દુ:ખનો અધિકારી થાય છે. પ્રાયશ્ચિત અને પાપનું ફળ ભોગવવું એ બે ઉપાયોથી પાપની નિવૃત્તિ માનવામાં આવે છે. મનુ સ્મૃતિમાં જણાવ્યું છે કે સમાજ આગળ પોતાનું પાપ પ્રકાશવાથી તથા તેને માટે અનુતાપ કરવાથી તે નાશ પામે છે. મધ્ય દરિયે તોફાનમાં ફસાયેલા જેસલને તોરલદે કહે છે. પાપ તારૂં પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ. અહીં પશ્ચાતાપ પ્રતિક્રમણ કરવાનો જ સંદેશ છે કે કોઈ માનવથી જાણતાં અજાણતાં પાપ થઇ ગયું ને એની સજારૂપે આફતમાં ફસાઇ જાય તો કોઈ સ્વરૂપે સત્ય વાણી સાંભળી પાપી વ્યક્તિ પણ પશ્ચાતાપ પ્રતિક્રમણ કરે તો આફતમાંથી બહાર ચોકકસ નિકળે તેવી આ શકિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.