કરોડોનું ફુલેકું ફેરવનાર ઝડપાયો:નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે લાલચ આપી 22 હજાર લોકો સાથે 150 કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાથી ઝડપાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કૌભાંડનો માસ્ટર માઈન્ડ રાહુલ વાઘેલા - Divya Bhaskar
કૌભાંડનો માસ્ટર માઈન્ડ રાહુલ વાઘેલા
  • કરોડોના કૌભાંડનો માસ્ટર માઈન્ડ રાહુલ વાઘેલા રાજસ્થાન તરફ ભાગવા જતા પોલીસના હાથે પકડાયો
  • બનાસકાંઠાની LCB પોલીસે ધાનેરા બોર્ડર પરથી પકડી પાડ્યો
  • ડેટા એન્ટ્રીના નામે લોભામણી લાલચો આપી કરોડો રૂપિયા ખંખેર્યા

નડિયાદમાં તાજેતરમાં ડેટા એન્ટ્રીના નામે કરોડો રૂપિયા લોકો પાસેથી ખંખેર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે‌. 20 હજાર કરતાં વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલાની બનાસકાંઠા એલસીબી પોલીસે ગત રાત્રે ધરપકડ કરી છે. ફુલેકું ફેરવી રાજસ્થાન તરફ ભાગવા જતા આરોપી પોલીસના હાથે પકડાઈ ગયો છે. જોકે, આ પ્રકરણમાં અન્ય સામેલ લોકો પોલીસના હાથે આવ્યા નથી. બનાસકાંઠા પોલીસે આ આરોપીને નડિયાદ ગ્રામ્ય પોલીસમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

નડિયાદ શહેરના ડભાણ રોડ ઉપર આવેલી કલેક્ટર કચેરીથી થોડે જ દૂર માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સીની ઓફીસ આવેલી છે. આ એજન્સીએ લોભામણી લાલચો આપી ડેટા એન્ટ્રીના નામે લોકો પાસેથી નાણાં ખંખેરવાનું કૌભાંડ આચર્યુ છે. અંદાજિત 22 હજાર કરતા વધુ લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. જેમાં નડિયાદ, અમદાવાદ, વડોદરાના નાગરીકોના નાણાં ફસાયા છે. આશરે 150 કરોડ જેટલી માતબર રકમનું ફૂલેકું ફેરવી માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલા ફરાર થઈ ગયો હતો.

ગત 21મેના રોજ ભોગ બનેલા લોકોએ નડિયાદના ડભાણમાં રોડ ઉપર આવેલા માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સીની ઓફીસમાં હોબાળો મચાવ્યો હતો. જેના કારણે ત્યાં કામ કરતા એક કર્મચારીને પોલીસે પુછપરછ હાથ ધરી હતી. જેમાં આ સમગ્ર કૌભાંડને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. હોબાળો થતાં જ નડિયાદ ગ્રામ્ય પોલીસને પણ ઘટનાસ્થળે દોડી જવું પડ્યું હતું. લોકોનાં નાણાં ફસાતાં લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ બાદ બીજા દિવસે પણ સમગ્ર કૌભાંડને ખુલ્લો પાડવા માટે ભોગ બનનાર લોકોએ નડિયાદ ખાતે જિલ્લા પોલીસ વડાને અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી અને ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, અમારા ફસાયેલા નાણાં પાછા અપાવો તેમજ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરો તેમ કહ્યું હતું.

આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યા બાદ ત્રીજા દિવસે જ મુખ્ય સૂત્રધાર આરોપી રાહુલ વાઘેલાની બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી ભૂર્ગભમાં ઉતરેલા રાહુલ વાઘેલા રાજસ્થાન તરફ ભાગવા જતા ધાનેરા બોર્ડર પરથી પોલીસે ધરપકડ કરી છે. આ બાદ જરૂરી કાર્યવાહી કર્યા પછી આરોપીને નડિયાદ ગ્રામ્ય પોલીસમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો?
નડિયાદમાં માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની ફ્રોડ કંપની ચાલતી હતી. જેમાં અંદાજિત 22 હજાર લોકોએ 25 થી 90 હજારની આઈ ડી બનાવી 150 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી. જેટલી વધારે રકમ જમા કરાવો તેટલું જ વધારે વળતર મળશે તેવી લોભામણી જાહેરાત કરતા લોકોએ જોયા જાણ્યા વગર આ કંપનીમાં રોકાણ કરતા હતા. શરૂઆતમાં સારું વળતર આપ્યા બાદ છેલ્લા ત્રણ માસથી લોકોના પૈસા આવવાના બંધ થઈ જતા આખરે લોકોએ હોબાળો મચાવ્યો હતો.

આ ઘટનાને લઈ કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા હતા. જેમાં રોકાણકારોએ તપાસ કરતા માત્ર બે વર્ષમાં જ કંપનીના સંચાલકે લોકો સાથે કરોડોની ઠગાઈ કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યુ હતું. જેથી નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને આજે એક શંકાસ્પદ શખ્સની માહિતી મળી હતી. જેમાં બાતમીને આધારે ડીસા ધાનેરા હાઇવે રોડ નિજીક એક હોટલ પરથી લોકલ ક્રાઇમ બ્રાંચે આ ઠગ કંપનીના માલિક રાહુલ વાઘેલા અને તેની પત્નીને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં આ ઠગ ગુજરાતથી રાજસ્થાન તરફ ભાગવાનો પ્લાન હતો. જે અંગે બનાસકાંઠા પોલીસે નડિયાદ પોલીસને પણ આ બાબતની જાણ કરી હતી.

1 એન્ટ્રીના 1 રૂપિયા લેખે કામ આપવામાં આવતું હતું
આ કંપનીમાં રૂ 15 હજારથી રૂ 1 લાખ સુધી રોકાણકારોએ રોકાણ કર્યુ હતુ. કંપની દ્વારા આપવામાં આવેલ આઈ.ડી પર રોકેલા નાણાં મુજબ કામ આપવામાં આવતુ હતુ. દાખલા તરીકે રૂ.15 હજારની રોકાણકારને દરરોજ 200 એન્ટ્રી આપી હતી. આમ રોકાણકારો પાસે એન્ટ્રી કરાવી પૈસાનું વળતર અપાતુ હતું.

6 થી 8 ડીજીટનો બારકોર્ડ આપી ડેટા એન્ટ્રી કરવતા
કંપની દ્વારા રોકાણ કર્તાઓએ રોકેલા નાણાં પ્રમાણે તેમને 6 થી 8 ડીજીટનો બારકોર્ડ આપી ડેટા એન્ટ્રી કરવા આપતા હતા. જેમાં એક એન્ટ્રીના રૂ.1 મળતો અને ખોટી એન્ટ્રી રૂ 1 કટ કરતા હતા. આ કામ 11 મહિનાના કોન્ટ્રાક્ટ હેઠળ આપવામાં આવતુ હતુ. જેથી રોકાણકારો વધુ રોકાણ કરી એન્ટ્રી મેળવતા હતા.

રેફરન્સથી મળેલ રોકાણકારને 10 ટકા વળતર આપાતુ
રોકાણકારો દ્વારા અન્ય વ્યક્તિને ડેટા એન્ટ્રી કામ આપવામાં આવે તો તેને 10 ટકા કમીશન આપવામાં આવતુ હતુ. જેથી રોકાણકારો લલચાઇ વધારેમાં વધારે વ્યક્તિઓ આ ડેટા એન્ટ્રીના કામમાં જોડાઇ તે માટે કમિશન પણ આપવામાં આવતુ હતુ. જેથી એક વ્યક્તિ અનેક વ્યક્તિ આ કામમાં જોડાવવા જણાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...