ખનીજ ચોરોમાં ફફડાટ:બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે 3 દિવસમાં 2 હિટાચી મશીન અને 5 ડમ્પર ઝડપ્યાં, રૂ. 1.65 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 114 કેસોના સમાધાન પેટે 257.73 લાખની વસુલાત કરવામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો

બનાસકાંઠા જિલ્લાની ગેરકાયદેસર ખનન વહન અને સંગ્રહના ટોટલ 114 કેસોના સમાધાન પેટે 257.73 લાખની વસુલાત કરવામાં બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. ત્રણ દિવસમાં બે હિટાચી મશીન તેમજ પાંચ ડમ્પર ઝડપી પાડી 1.65 કરોડનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

114 કેસોના સમાધાન પેટે 257.73 લાખની વસુલાત
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન-વહન અને સંગ્રહના 114 કેસોના સમાધાન પેટે 257.73 લાખની વસુલાત કરવામાં આવી છે. ભૂ-વિભાગ દ્વારા ખાણ ખનીજ ચોરી ઝડપવાથી ભૂ-માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા 3 દિવસમાં આકસ્મિક તપાસ ચેકિંગ કામગીરી દરમિયાન તારીખ 27 જૂન 2022ના રોજ ખાનગી રાહે પાલનપુર તાલુકાના સુંઢાં ગામ તળાવમા ગેરકાયદેસર સાદી માટી ખોદકામ કરતા એક હિટાચી મશીન તેમજ 2 ડમ્પરને રોકાવી પૂછપરછ કરવામાં આવી હતી. જેઓ રોયલ્ટી પરમીટ વગર સાદી માટીનું ખનન-વહન કરતા હતા. આ લોકોને ઝડપી પાડી કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મૂકવામાં આવ્યા છે.

છેલ્લા 3 દિવસમાં 2 હિટાચી મશીન અને 5 વાહન ઝડપાયાં
આ ઉપરાંત તારીખ 28 જૂન, 2022ના રોજ તાલેપુરા ગામમાં તપાસ અર્થે જતા એક ડમ્પરને રોયલ્ટી પાસ વગર સાદી રેતી ​​​​​​નું ​બિનઅધીકૃત વહન કરતા ઝડપી પાડવામાં આવ્યું હતું. જેને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યું છે. તેમજ વધુમાં તારીખ 30 જૂન, 2022ના રોજ આકસ્મિક તપાસ દરમિયાન અલીગઢ ગામમાં આવેલા તળાવમાં ગેરકાયદેસર સાદી માટીનું ખનન કરતાં એક હિટાચી મશીન તેમજ 2 ડમ્પરને પરમીટ વગર ગેરકાયદેસર ખનન વહન કરતા ઝડપી પાડી કલેકટર કચેરી પાલનપુર ખાતે મૂકવામાં આવ્યા છે.

રૂપિયા 1.65 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
આમ, છેલ્લા 3 દિવસમાં 2 હિટાચી મશીન અને 5 વાહન તેમજ ખનિજ મળી રૂપિયા 1.65 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને 12.10 લાખની દંડકિય રકમની વસુલાતની કાર્યવાહી ચાલુ છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા ચાલુ મહેસુલી વર્ષમાં બનાસકાંઠા જિલ્લાની ગેરકાયદેસર ખનન વહન અને સંગ્રહના 114 કેસોના સમાધાન પેટે 257.73 લાખની વસુલાત કરવામાં આવી છે. જિલ્લાની ચાલુ વર્ષની કુલ 2062.45 લાખની મહેસૂલી આવક થયેલી છે. વધુમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની તપાસ ટીમ દ્વારા અવાર નવાર સમગ્ર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે તથા તપાસ ટીમ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન સર્વેલન્સ દ્વારા તેમજ પ્રાઇવેટ વાહન મારફતે, ખનિજ ચોરી અટકાવવા દિવસ રાત તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...