બનાસકાંઠાના પાલનપુર બસ પોર્ટમાં પાર્કિંગ ચાર્જ શરુ કરાતા જ વેપારીઓ, ગ્રાહકો સહિત વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ દ્વારા બસ પોર્ટના સંચાલકોને રજૂઆત કરવા છતાં ચાર્જ પર પાબંધી ન મુકતા રોષે ભરાયેલા વેપારીઓ સહિત વિદ્યાર્થીઓએ આજે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી પાર્કિંગ ચાર્જ બંધ કરવા રજૂઆત કરી હતી.
પાર્કિંગ ચાર્જ શરુ કરી દેતા ભારે રોષ
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બસ પોર્ટ કાર્યરત કરાયું છે. આ વિશાળ બસ પોર્ટમાં અનેક વેપારીઓની દુકાનો, શૈક્ષણિક લાયબ્રેરીઓ શરુ થઇ છે. જેને લઈ બસ પોર્ટમાં મુસાફરોની સાથે-સાથે અનેક લોકોની અવર-જવર વધી છે. બસપોર્ટમાં ખરીદી અર્થે કે, લાયબ્રેરીઓમાં અભ્યાસ અર્થે આવતા કે, એસટી બસની મુસાફરી માટે પોતાના વાહનો લઈ આવતા વાહનો પાર્ક કરવા બનાવેલા બસ પોર્ટના પાર્કિંગમાં પાર્કિંગ ચાર્જ શરુ કરી દેતા વેપારીઓ-ગ્રાહકો સહિત વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ચીમકી પણ ઉચ્ચારી
મહત્ત્વની વાત છે કે, બસ પોર્ટમાં પાર્કિંગ ચાર્જને લઈ વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓએ એકત્રિત થઈ બસ પોર્ટના સંચાલકોને મળી પાર્કિંગ ચાર્જ બંધ કરવા રજૂઆત તો કરી, પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતા છેવટે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત ગ્રાહકો આજે બસ પોર્ટ ખાતે એકત્રિત થયા અને બસ પોર્ટથી જિલ્લા કલેક્ટ કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી બસ પોર્ટ પર શરૂ કરાયેલો પાર્કિંગ ચાર્જ બંધ કરવા રજૂઆત કરી હતી અને જો આગામી દિવસોમાં આ પાર્કિંગ ચાર્જ બંધ નહીં કરાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.