અલ્પેશ ઠાકોર વિફર્યા:'બરવાળા લઠ્ઠાકાંડમાં જે પણ ભ્રષ્ટ અધિકારી, કર્મચારીઓ સામેલ હોય તેમને પણ ગુનેગાર સાબિત કરીને ફાંસીની સજા આપવામાં આવે'

બનાસકાંઠા (પાલનપુર)23 દિવસ પહેલા
  • ઝેરી દારૂનો વેપલો કરનારા કોઈના સગા નથી તેઓ રાક્ષસી છે તેમને જાહેરમાં ફાંસીની સજા કરીને દાખલો બેસાડવો જોઈએઃ અલ્પેશ ઠાકોર

બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 29થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે. જેમાં અલ્પેશ ઠાકોરે ગુજરાતના ગૃહ મંત્રી અને વહીવટીતંત્રને વિનંતી કરી છે કે, ઝેરી દારૂનો વેપલો કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જાહેરમાં ફાંસી આપવી જોઈએ. આ ઉપરાંત અધિકારીઓને પણ વિનંતી કરી છે કે, ગુજરાતમાં કોઈપણ ખૂણે દેશી દારૂનો વેપાર ચાલતો હોય એ ભઠ્ઠીઓ પણ તોડી નાખો અને ચલાવનારાઓને જેલના હવાલે કરો. તેમજ આમાં જે ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓ સામેલ હોય એવા લોકોને પણ દાખલો બેસાડી શકાય તેમ ગુનેગાર સાબિત કરીને ફાંસીના માંચડે લટકાવી દો.

મૃતકોના પરિવારોમાં કેટલું આક્રંદ હશે તે કલ્પના કરવી મુશ્કેલ
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, બોટાદમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેમાં 25 થી 30 પરિવારના મોભીઓનું મોત થયું છે જેને લઈ હું ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરું છું. પરમાત્મા આ પરિવારોને દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે. આ ઝેરનો વેપલો કરનારા રાક્ષસો છે તે કયા ખૂણામાંથી અને કઈ જગ્યાએથી વેપલો કરે છે એનો અંદાજ જ નથી આવતો. આ 25થી વધારે લોકોના મોત થતા તેના પરિવારોમાં કેટલું આક્રંદ હશે તે કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે.

વધુમાં જણાવ્યુંકે, દારૂ વેચનારા ઉપર ધૃણા આવે છે કે, આ લોકો નથી કોઈના સગા સંબંધી કે નથી ગુજરાતી કે નથી ભારતીય આ એક પ્રકારના રાક્ષસો છે આમને કોઈના સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકો ઝેરનો વેપલો કરે છે એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. પોતાના મોજશોખ અને પોતાના પરિવાર ના બે પાંચ લોકોના નિર્વાહન માટે હજારો લોકોની જીંદગી સાથે ચેડા કરનારાને સરેઆમ ફાંસી કરવી જોઈએ.

વધુમાં જણાવ્યું કે, આ બે જિલ્લાના લોકો દારૂ પીને મોતને ભેટ્યા છે ત્યારે તેમના પરિવારજનોને તો કલ્પના પણ નહીં હોય અમારો મોભી સવારે ઉઠે છે ત્યારે એ મોતના મુખમાં જતો રહ્યો હશે. આજે જે લોકો મોતને ભેટ્યા છે એમના પરિવારના કેટલા લોકોને આ લોકો રડતા મૂકીને ગયા છે. જે લોકો આવો નશો કરતા હોય એ લોકોને કહું છું કે, તમારા પછી તમારા પરિવારની શું દશા થશે એની કલ્પના કરજો.
તમામ દેશી ભઠ્ઠીઓ બંધ કરાવી દોઃ અલ્પેશ ઠાકોર
વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, હું ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરૂ છું કે, આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરો, ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવો, તમામ દોષીઓને ફાંસીની સજા કરો. અધિકારીઓને પણ વિનંતી કરું છું કે, ગુજરાતમાં કોઈપણ ખૂણે આ દેશી દારૂનો વેપલો ચાલતો હોય એ ભઠ્ઠીઓ તોડી નાખો. એ ભઠ્ઠીઓ ચલાવનારાઓને ભલે જેલો ઉભરાઈ જાય પણ જેલના હવાલે કરો, કારણ કે, એ જેલમાં બેઠા હશે. તો ગુજરાતનો યુવાધન ગુજરાતના એક એક ઘરની સુખાકારી જળવાઈ રહેશે. આ રાક્ષસોને ખુલ્લા ન કરવા જોઈએ. આ દેશી ભઠ્ઠી ચલાવતા તમામ લોકોને પાડી દો. વહીવટીતંત્રને વિનંતી કરું છું કે, આવા લોકોને અંદર નાખી દો. એમને પણ કહેવા માગું છું કે, આમાં જે પણ ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓ સામેલ હોય એવા લોકોને પણ ગુનેગાર સાબિત કરીને ફાંસીના માચડે લટકાવી દો. ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરું છું કે, દેશી દારૂના વેપલા જ્યાં પણ ચાલતા હોય ત્યા તમામ ખૂણેથી ભઠ્ઠીઓ બંદ કરાવી દો.

શું છે સમગ્ર ઘટના?
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા છે. 30થી વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતું. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ આ અંગે તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...