ગુજરાત વિધાનસભાનું ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય નેતાએ મતદારોને રીઝવવા કંઇપણ નિવેદનો આપી રહ્યા છે. બે દિવસ અગાઉ બનાસકાંઠાના દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવારનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવારે કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. જે અંગે તેમના વિરૂદ્ધ દાંતા ચૂંટણી અધિકારી હર્ષાબેન રાવલે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.
આચારસંહિતા ભંગની ફરિયાદ
બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું હતો. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'કેટલાક લોકો અંગ્રેજી દારૂ ખુલ્લામાં વેચે છે અને અમારી કેટલીક બહેનો સંતાડીને દેશી દારૂ વેચે છે. ચિંતા ના કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ.' આ વીડિયો સામે આવતા હડકંપ મચ્યો હતો. જેમની સામે ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાંતા બેઠકની સ્થિતિ
દાંતા વિધાનસભા બેઠક હેઠળ દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ 2.10 લાખથી વધુ મતદારો છે. જેમાં 1, 04,418 પુરુષ મતદાર છે. જ્યારે 98000 જેટલી મહિલા મતદાર છે. આ વિધાનસભામાં કુલ 265 બુથ આવેલા છે.
આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ
દાંતા વિધાનસભાના જ્ઞાતિ જાતિના સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. તેમની સંખ્યા 83 હજારથી વધુ છે. બીજી તરફ ઠાકોર 23230, રાજપૂત 12582, મુસ્લિમ 11626, રબારી 7643, પ્રજાપતિ 6094, દલિત 6405, ચૌધરી પટેલ 3429 અને અન્ય 18067 છે. એકંદરે જોઈએ તો કુલ મતદારોના 42 ટકા જેટલા મતદારો આદિવાસી છે. આ ઉપરાંત આ બેઠક પણ આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવતી હોય છે. જેના પગલે રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીની તકો ઓછી રહે છે. પરિણામે પક્ષ પલટો વધુ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.