રાજ્યના અનેક જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ગાયોમાં લમ્પી વાયરસના કેસો નોંધાયા છે. જિલ્લાના 9 તાલુકાના 119 ગામોમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યાં છે. લમ્પી વાયરસના કહેરને પગલે વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં વાવ પંથકમાં ગાયોમાં રસીકરણ કરવામાં ન આવતું હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ કરુણા એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેની માગ કરી છે.
યુવાનો ઘરગથ્થુ ઉપચારો કરાવી રહ્યા છે
ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, વાવ, સુઇગામ, ભાભર સહિતના વિસ્તારમાં ગાયોમાં લમ્પી વાઈરસના કેસ જોવા મળી રહ્યા છે. તેના કારણે હાલ વાવ વિધાનસભા ના પશુપાલકોમાં પણ મોટી આફતનું એધાણ સર્જાઇ રહ્યું છે. ગાયને લમ્પી વાયરસથી બચાવવા વાવ વિધાનસભાના દરેક ગામના જાગૃત યુવાનો પોતાની રીતે યથાશક્તિ પ્રમાણે લોક ફાળો આપી રહ્યા છે. યુવાનો દેશી દવા રૂપે દેશી આયુર્વેદિક લાડવા અને ઘરગથ્થુ ઉપચારો કરાવી રહ્યા છે.
કચ્છની જેમ વાવમાં પણ રસીકરણની કામગીરી કરવામાં આવે
આ વાયરસના કેસ કચ્છ જિલ્લામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ત્યાં માલધારીઓના પશુઓમાં ખૂબ મોટું નુકસાન થયું છે. તેના ભાગરૂપે ત્યાં હાલ આખા ગુજરાતનું પશુપાલન ખાતું સઘન રસીકરણ કરાવી રહ્યું છે. જેનાથી પશુપાલકોને ફાયદો પણ થઈ રહ્યો છે. ત્યારે અમારા વિસ્તારના કોઇ પણ ગામમાં રસીકરણ છે જ નહીં અને તે ગામના જાગૃત યુવાનો પોતાના સ્વખર્ચે ક્યાંક પ્રાઇવેટ મેડિકલમાંથી થોડી ઘણી વેક્સિન લાવીને પશુઓને આપી રહ્યા છે. તેથી મુખ્યમંત્રીને મારી રજૂઆત છે કે, જે રીતે કચ્છ જિલ્લામાં રસીકરણ ઉપલબ્ધ કરાવીને રસીકરણ ચાલુ કર્યું છે તેમ આ વિસ્તારમાં પણ દરેક પશુ દવાખાના અને વેટરનરી ક્લિનિક પર યુદ્ધના ધોરણે રસીકરણનું કામ ચાલુ કરાવી ગાયને આ રોગમાંથી છૂટકારો મળે તેવું કામ હાથ ધરવા માગણી છે.
કરુણા એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માગ
તેમજ વાવ અને જિલ્લાના કેટલાય તાલુકાઓમાં કરુણા એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નથી. ત્યાં સુવિધા મળી રહે તે માટે સત્વરે કરુણા એમ્બ્યુલન્સનો લાભ આપવામાં આવે તેવી પણ ગેનીબેન ઠાકોરે પત્ર લખી રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.