પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર:આગથળાથી કહ્યું- નર્મદા યોજનામાં હવનમાં હાડકા નાખવા વાળી કોંગ્રેસની આ વખતે ડિપોઝીટ જપ્ત થાય તે પ્રકારે મતદાન કરજો

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા

બનાસકાંઠાના લાખણીના આગથળા ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યા પુરષોતમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, નર્મદા યોજનામાં હવનના હાડકા નાખવા વાળી કોંગ્રેસની આ વખતે ડિપોઝીટ જપ્ત થાય તેવું કામ કરજો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જ્યાં પરસોત્તમ રૂપાલાએ મહિલાઓને સંબોધીત કરીને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો એડીચોંટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા પણ વિવિધ સ્થળે જાહેરસભાઓ યોજવામાં આવી રહી છે. આ દરમિયાન બનાસકાંઠામાં આયોજીત એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ પોતાના અલગ અંદાજમાં ભાષણ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પેલા પાણી જ ન હતું અને પાણી ન આવવા દેવાના પ્રયાસો કોંગ્રેસે કર્યા હતા. 10 વર્ષ સુધી રાજ્યમાં નર્મદા યોજનાને અટકાવી દેવાનું લટકાવી દેવાનું કામ કોંગ્રેસે કર્યું છે. તેમજ કહ્યું કે, હું તમામને વીનંતી કરૂ છું કે, ગુજરાતમાં નર્મદા યોજનામાં હવનમાં હાડકા નાખવા વાળી કોંગ્રેસની આ વખતે ડિપોઝીટ જપ્ત થાય તે પ્રકારનું મતદાન કરજો. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને 17માં દિવસે માંગ્યા વગર નર્મદાની મંજૂરી ગાંધીનગર આવી ગઈ હતી. મહિલાઓને સંબોધતા પુરષોતમ રૂપાલાએ ભાજપ સરકારે મહિલાઓ માટે કરેલા વિવિધ કાર્યોની વાત કહી મહિલાઓને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા અનેક સંમેલનો થઈ રહ્યા છે ત્યારે આજે લાખણી તાલુકાના આગથળા ખાતે ભાજપ પક્ષના મહિલા મોરચા દ્વારા કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ભાજપના થરાદના ઉમેદવાર શંકર ચૌધરી અને દિયોદરના ઉમેદવાર કેસાજી ચૌહાણ સહિત ભાજપના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જ્યાં પરસોત્તમ રૂપાલા ભાજપની આકાંક્ષા પેટી લઈને મહિલાઓ વચ્ચે ગયા હતા અને મહિલાઓના અભિપ્રાયો અને મંતવ્યોની કાપલીઓ પેટીમાં નખાવી હતી અને તેમના અભિપ્રાયો સરકારમાં પહોંચાડી તેનો અમલ કરાવવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...