લમ્પીનો કહેર:બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર સતર્ક બન્યું, જિલ્લામાં 42 ટીમો 84 પશુધન  નિરીક્ષકો સાથે દોડતી થઈ

બનાસકાંઠા (પાલનપુર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 9 તાલુકાઓ લમ્પી વાઇરસ અસરગ્રસ્ત જે ગામમાં એકપણ કેસ ન નોંધાયો હોય તેવા તંદુરસ્ત પશુઓને રસી અપાવવા પશુપાલન વિભાગની અપીલ

પશુઓમાં આવેલ લમ્પી વાઇરસથી પશુપાલકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. પરંતુ આ વાઇરસથી બિલકુલ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. બનાસકાંઠા જિલ્લામાં હાલ 9 તાલુકાઓમાં આ વાઇરસની અસર પશુઓમાં જોવા મળી રહી છે. ત્યારે આ વાઇરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયસર કામગીરી હાથ ધરીને વ્યાપક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.

તાત્કાલિક સારવાર માટે ટોલ ફ્રી નંબર 1962 ઉપર સંપર્ક કરો
લમ્પી વાઈરસની સારવાર, સર્વે અને અવેરનેસ માટે જિલ્લામાં 42 ટીમોમાં 84 પશુધન નિરીક્ષકો અને વેટરનરી તબીબો ખડેપગે સેવા આપી રહ્યાં છે. આ વાઇરસના જિલ્લામાં હાલ સરેરાશ રોજના 215 જેટલાં નવા કેસો નોંધાઇ રહ્યાં છે. 15 ટકા જેટલો રિકવરી રેટ છે અને મૃત્યુનું પ્રમાણ માત્ર 1 થી 2 ટકા છે. સઘન સર્વે સાથે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે, ગઇકાલ તા. 25 જુલાઇ સુધીમાં જિલ્લામાં 2100 ડોઝ રસીકરણ થયું છે. જે ગામમાં અત્યાર સુધીમાં આ વાઇરસનો એકપણ કેસ ન નોંધાયો હોય તેવા તંદુરસ્ત પશુઓને રસી આપવાનું કામ ચાલુ છે. તંદુરસ્ત પશુઓમાં આ રોગનો પગપેસારો ન થાય તે માટે રસી અપાવવા પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવી છે.

અસરગ્રસ્ત પશુઓને સત્વરે સારવાર અપાવવી, બીજા પશુથી અલગ રાખવા તાકીદ
મદદનીશ પશુપાલન નિયામક ડો. જે. પી. મજેઠીયાએ જણાવ્યું છે કે, લમ્પી વાઇરસ બનાસકાંઠા જિલ્લામાં ફક્ત ગાયોમાં જ જોવા મળ્યો છે. ભેંસ, ઘેંટા, બકરા કે અન્ય પ્રાણીઓમાં હજુ સુધી આ રોગ જોવા મળ્યો નથી. તેમણે પશુપાલકોને અપીલ કરી છે કે જો તમારું પશુ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત હોય તો તે પશુને સત્વેર સારવાર અપાવવી, બીજા પશુથી અલગ રાખવા અને ચરવા ન છોડવા વિનંતી છે જેથી અન્ય પશુમાં પ્રસરતા ચેપને અટકાવી શકાય. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી 1962 હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે. ગાય- ભેંસ વર્ગના પશુઓમાં ગાંઠદાર ત્વચા રોગ લમ્પી સ્કિન ડીસીઝ જોવા મળે છે. વાઇરસથી થતો આ રોગ મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે.

અન્ય સમાચારો પણ છે...