ઉત્તર ગુજરાતમાં ચોમાસુ શરૂ:હવામાન વિભાગના મુજબ રવિવારથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે જે એકાદ સપ્તાહ સુધી જોવા મળશે

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુઈગામના ડાભી ગામે તોફાની પવન સાથે વરસાદી ઝાપટું પડતાં ખેતરમાં પાણી ભરાયા હતા. - Divya Bhaskar
સુઈગામના ડાભી ગામે તોફાની પવન સાથે વરસાદી ઝાપટું પડતાં ખેતરમાં પાણી ભરાયા હતા.
  • વડાલીમાં 1.5 ઈંચ વરસાદ,પાલનપુરમાં રાત્રે ઝાપટું

ઉત્તર ગુજરાતમાં શનિવાર મોડી રાતથી વરસાદી માહોલ સર્જવાનું શરૂ થયું હતું. રાત્રે હળવા ઝાપટાં બાદ સાબરકાંઠામાં વડાલીમાં સૌથી વધુ 40 મીમી એટલે કે 1.5 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ જ્યારે તલોદ તાલુકો રવિવાર આખો દિવસ કોરો રહ્યા બાદ બાદ સાંજે ભારે પવન ફુંકાયા બાદ વીજકડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 27 મીમી એટલે કે 1 ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તાોરમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પાલનપુરમાં રવિવારે સાંજે ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદનું આગમન થયું હતું. જ્યાં સાંજે શરૂઆતમાં હળવો વરસાદ થયા બાદ પોણા કલાક સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદી ઝાપટું તૂટી પડયું હતું. જેના પગલે કીર્તિસ્તંભ, સિવિલ હોસ્પિટલ, દિલ્હી ગેટ સહિત હાઇવેની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

કેટલાક વિસ્તારોમાં શોર્ટ સર્કિટના કારણે વીજળી ડૂલ થઈ જતાં શહેરીજનો પરેશાન થઈ ગયા હતા. પાલનપુર શહેર ઉપરાંત ધાણધાર પંથકના વાસણ, ભાગળ, ધનિયાણા, ધાણધા, કૂંપર, આંબલીયાળ, નરાસળ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે બાજરીનો પાક પલળતા ખેડુતોએ દોડધામ કરી મૂકી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાલનપુર, સુઇગામ, દાંતીવાડા અને અમીરગઢ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેમાં સુઇગામ તાલુકાના સરહદી પંથક ડાભી, દુદોસણ, ડુંગળા, બોરું, કિલાણા અને સોનેથ તેમજ ધ્રેચાંણાની સીમમાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ડાભી ગામમાં ગાજવીજ અને તોફાની પવન અચાનક આવેલા વરસાદથી મંડપ પણ પલળી જતાં મહેમાંનોમાં અફડાતફડી મચી હતી.

ખેતરમાં પણ પાણી ભરાયા હતા. વર્ષોથી પાણી ભરાતા બ્રિજેશ્વર કોલોની માર્ગ નગરપાલિકા દ્વારા ખોદીને મુકી દેવાતા લોકોને હાલાકી સર્જાય તેમ છે. જ્યારે પાલનપુરનાં ગઢ ખાતે સામાન્ય વરસાદી ઝાપટું પડતાં માત્ર માર્ગ ઉપર પાણી દેખાયા હતાં. બપોરે પડેલ વરસાદી ઝાપટાને લઈ ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

દાંતીવાડાના પાંથાવાડા સહિત આજુબાજુના ગામડાઓમાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ અમીરગઢ તાલુકાના પણ અમીરગઢ સહિતના ગામોમાં સામાન્ય વરસાદ પડતાં રોડ પલળ્યા હતા. જ્યારે દાંતા તાલુકાના હડાદમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.

સુઇગામના ડાભી ગામે ભારે ઝાપટું પડતાં મંડપ પલળી જતાં દોડધામ મચી ગઈ
સુઇગામના ડાભી ગામે તોફાની પવન સાથે વરસાદી ઝાપટું પડતાં ખેતરમાં પાણી ભરાયા હતા. તેમજ લગ્ન તેમજ શુભ પ્રસંગોમાં બાંધવામાં આવેલ મંડપ પણ વરસાદમાં પલળી જતાં મહેમાંનોમાં અફડાતફડી મચી હતી.

તૈયાર બાજરીના પાકને નુકસાનની ભીતિ
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા ઉનાળુ વાવેતરમાં મુખ્યત્વે બાજરી, મગફળી, મકાઈ અને ઘાસચારા તેમજ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં બાજરીનો પાક તૈયાર થઈ ગયો હોય તેની કાપણી અને લણણી ચાલી રહી છે. આવા ખરા મોકે જ વરસાદનું આગમન થયું છે. જો મુશળધાર વરસાદ વરસી જાય તો બાજરીના પાકને નુકસાનની ભીતિ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આજે ઉત્તર ગુજરાતમાં હળવાં ઝાપટાં પડી શકે છે
ઉત્તર ગુજરાતમાં શનિવાર મોડી રાત વરસાદી માહોલ સર્જવાનું શરૂ થયું હતું. રાત્રે હળવા ઝાપટા બાદ રવિવાર બપોર સુધી અસહ્ય ઉકળાટ રહ્યો હતો. જોકે સાંજ પડતાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો હતો. બપોરે 39 થી 40 ડિગ્રીની આસપાસ રહેલું તાપમાન અચાનક વરસાદી માહોલના પગલે સાંજે 7 વાગે 33 ડિગ્રીએ પહોંચતાં વાતાવરણ ઠંડું બન્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે પણ ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડી શકે છે. જોકે, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...