આબુ જતાં પહેલાં ચેતજો:પાલનપુર-આબુ રોડ એક બાજુનો બંધ કરાયો, નાનાં વાહનોને નો એન્ટ્રી, 5 કિમી સુધી ટ્રાફિકજામ

પાલનપુરએક મહિનો પહેલા
  • દાંતીવાડામાં 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
  • છેલ્લા 24 કલાકમાં ડીસામાં 7 ઇંચથી વધુ વરસાદ

હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. 2017 બાદ બનાસ નદી બે કાંઠે થઈ છે. જ્યારે ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી વાતાવરણ વચ્ચે જન્માષ્ટમીના તહેવારોને લઈને ગુજરાતથી આબુ હિલ સ્ટેશન જવા સહેલાણીઓ નીકળી રહ્યા છે. એવા સમયે પાલનપુર આબુ રોડ ભારે વરસાદને પગલે એક બાજુનો બંધ કરાયો છે, જેને લઇને વાહનોની 5 કિ.મી. લાબી કતારો જોવા મળી રહી છે. તો બીજી બાજુના માર્ગ પર ફક્ત મોટાં વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે. હાઇવેની બંને બાજુના માર્ગો પર પોલીસ ઊભી રખાઈ છે, જેથી નાનાં વાહનો હાઇવે પરથી પસાર ન થાય. જ્યારે કોઇ વાહનો ફસાય તો એને કાઢવા માટે ક્રેન પણ તહેનાત કરાઈ છે.

આ રસ્તાઓ બંધ કરાયા
ભીલડી-બલોધર રોડ, ભીલડી, નેસડાસ પેપળુ રોડ, નેશનલ હાઇવેથી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવેથી ઘટનાળ રોડ, નવી ભીલડીથી જૂના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી-વડલાપુર રોડ, કંસારી-શેસુરા રોડ, ગૂગળ એપ્રોચ રોડ, પેપરાળ-ગણતા રોડ, લાખણી, ગોઢથી છત્રાલા રોડ, છાપી-કોટડી રોડ, ચાંગા-બસુ રોડ, મોરિયા-નાગલ રોડ, બસુ-જેબલાપુરા રોડ, પીરોજપુરાથી ડુંગરિયાપુરાથી જિલ્લાની હદ સુધીના રોડ બંધ કરવામાં આવ્યા છે.

દાંતીવાડા ડેમમાં 64644 ક્યૂસેક પાણીની આવક
ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણી આવક વધી છે જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં 64644 ક્યૂસેક પાણીની આવક થઇ હતી, જે હજુ ચાલુ જ છે તેમજ ડેમમાં અત્યારે લેવલ 577.20 પહોંચ્યું છે. 36.70 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

દાંતીવાડમાં 6 ઇંચ ખાબક્યો
બનાસકાંઠાના દાંતીવાડમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે પાલનપુરમાં સવારે 8થી 10 વાગ્યા વચ્ચે માત્ર બે જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. સુઇગામમાં પણ સવારથી અત્યારસુધી 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડીસામાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. અમીરગઢમાં સવા ઇંચ, થરાદમાં 1 ઇંચ, કાકરેજમાં 23 મિમી અને વાવામાં 21 મિમી વરસાદ પડ્યો છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 125 મિમી, કાંકરેજમાં 104 મિમી, ડીસામાં 183 મિમી, થરાદમાં 54 મિમી, દાંતામાં 143 મિમી, દાંતીવાડામાં 163 મિમી, દિયોદરમાં 141 મિમી, ધાનેરામાં 111 મિમી, પાલનપુરમાં 111 મિમી, લાખણીમાં 74 મિમી, વડગામમાં 152 મિમી, વાવમાં 74 મિમી અને સુઈગામમાં 55 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે અપીલ કરી છે. પ્રકૃતિનો આનંદ માણવા, સેલ્ફી લેવા જવાનું ટાળીને દુર્ઘટના થતી અટકાવવા કલેક્ટરે જણાવ્યું હતું.

તસવીરોમાં જોઈએ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

અન્ય સમાચારો પણ છે...