બનાસકાંઠાના પાલનપુરમાં થોડા દિવસો પહેલા રખડતા પશુના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યા બાદ વધુ એક યુવાનને રખડતા પશુએ અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. પાલનપુરમાં ગઇકાલે મોડી રાત્રે બાઇક પર પસાર થતા યુવકને હનુમાન ટેકરી વિસ્તારમાં ગાયે અડફેટે લીધો હતો અને યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવકને સ્થાનિકો દ્વારા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્રણ દિવસ પહેલાં જ હનુમાન ટેકરી વિસ્તારમાં જ ગાયે એક વૃદ્ધને ઈજાઓ પહોંચાડી અને મોતને ઘાટ ઉતાર્યા હતા.
પાલનપુર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધતો જાય છે. ત્યારે શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં ચારેક દિવસ અગાઉ એક ગાયે આતંક મચાવતા એક નિવૃત શિક્ષકને અડફેટે લેતા તેઓનું મોત નિપજ્યું હતું. ગતરાત્રે ફરી એકવાર ગાયોનું ટોળું હનુમાન ટેકરી હાઇવે પર હતું ત્યારે એક યુવક બાઇક લઈને પસાર થતો હતો. દરમિયાન એક ગાયે તેને અડફેટે લેતા માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આમ, હનુમાન ટેકરી વિસ્તારમાં છેલ્લા 5 દિવસમાં ગાયના આંતકથી 1 નિર્દોષના જીવ ગુમાવ્યા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.