ડીસાના ખેટવા ગામના મહિલા પરિવાર સાથે ગુરુવારે વહેલી સવારે લાખણી તાલુકાના નાના કાપરા ગામે મામેરામાં જવા નિકળ્યા હતા. ત્યારે ઇન્દીરાનગર (ખેટવા) નજીક વાહનની રાહ જોઇને ડિવાઇડર ઉપર ઉભા હતા ત્યારે અાઇસરના ચાલકે અડફેટે લેતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ડીસા તાલુકાના ખેટવા ગામના સોનાબેન મગનભાઈ રબારી (52), મગનભાઈ હમીરભાઈ રબારી તેમજ રાજાભાઈ મલાભાઈ રબારી ત્રણેય રૂવારની વહેલી સવારે લાખણી તાલુકાના નાના કાપરા લગ્નપ્રસંગે મામેરામાં જવા માટે ઈન્દીરાનગર રોડની સાઇડમાં ડિવાઈડર ઉપર સાધનની રાહ જોઈ ઉભા હતા.
તે દરમિયાન ડીસા તરફથી આવતા આઇસર નંબર જીજે-12-બીટી- 1496 ના ચાલકે કાબુ ગુમાવતા રોડની સાઇડમાં સાધનની રાહ જોઈ ઉભેલા ત્રણેયમાં સોનાબેન મગનભાઈ રબારીને ટક્કર મારતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી આઈસર મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. ભીલડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકનું પી.એમ.ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવી મૃતદેહને વાલીવારસદારોને સોંપાયો હતો. ફરાર આઈસર ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.