હિંમતનગરથી એરંડાની બોરીઓ ભરીને આવેલો ટ્રક ચાલક પાલનપુરના જગાણા નજીક આવેલી ઓઇલ મીલના દરવાજા આગળ બીલ લઇ નોંધણી કરાવવા ગયો હતો. ત્યારે અજાણ્યો શખ્સ રૂ.8.28 લાખની એરંડાની બોરીઓ ભરેલી ટ્રકની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવને લઈ ચકચાર મચી ગઈ છે. હિંમતનગર ગંજબજારમાં આવેલી પેઢીમાંથી ઇડર તાલુકાના દાવડના રાજેન્દ્રસિંહ જગતસિંહ વીયોલ ટ્રક નં. જીજે. 09. વાય. 6845માં એરંડાની બોરીઓ ભરીને પાલનપુર તાલુકાના જગાણા નજીક આવેલી ઓઇલ મીલમાં આવ્યા હતા. જેઓ ટ્રક રોડની સાઇડમાં મુકી મીલમાં ગેટ ઉપર બીલ લઇ નોંધાવવા ગયા હતા. ત્યારે કોઇ શખ્સ રૂ. 8,28,800ની એરંડાની 160 બોરીઓ ભરેલી ટ્રકની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ટ્રકની નોંધણી કરીને આવેલા રાજેન્દ્રસિંહે સ્થળ ઉપર પાર્ક કરેલી ટ્રક ન જોતા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.નોંધનીય છે કે ટ્રક ચાલક ઓઇલ મીલના દરવાજે ટ્રક નોંધાવવા ગયા ત્યારે તેમનો ફોન ટ્રકમાં મુકીને આવ્યા હતા. તેમજ કાગળોની ફાઇલ પણ ટ્રકમાં હતી. રૂ. 3,00,000ની ટ્રક સહિતના કુલ રૂ. 11,29,800ના મુદ્દામાલની શખ્સ ચોરી ગયો હતો. દરમિયાન ચાલકે પોતાના ફોન ઉપર રિંગ કરી હતી. પરંતુ કોઇએ ફોન ઉપાડ્યો ન હતો. અને સ્વિચ ઓફ કરી દીધો હતો.પોલીસે ગુનો નોંધી સીસીસટીવી કેમેરા સહિતની ચકાસણી કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.