જગતનો તાત રાજી રાજી:બનાસકાંઠા જિલ્લામાં મગફળીના ઉંચા ભાવો મળતા ખેડૂતોમાં ખુશીની લહેર

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મગફળીની સિઝનની શરુઆત થતા જ સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવા રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારના ટેકાના ભાવ નક્કી થાય તે પહેલા જ માર્કેટયાર્ડમાં સીધા જ ભાવ વધુ મળતા ખેડૂતો સરકારના ટેકાના ભાવની રાહ જોયા વગર સીધા જ માર્કેટયાર્ડમાં મગફળીનું વેચાણ કરવાનું શરુ કર્યું છે. તેથી માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક શરૂ થઈ છે.

ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે
મગફળીની સિઝનની શરુઆત થતાં જ પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. એક તરફ સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન તો શરૂ કરી દીધું છે. પરંતુ હજી સુધી ટેકાના ભાવ નક્કી કરાયા નથી. જોકે, ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં જ પોતાના પાકના સારા ભાવ મળતા ટેકાના ભાવની રાહ જોયા વગર જ સીધો પોતાનો મગફળીનો પાક માર્કેટમાં વેચવા તરફ વળ્યા છે. જેને લઈ પાલનપુર માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે.

1250થી 1550 સુધીના ભાવ મળી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ ઉપજાવેલા પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી કરાતી હોય છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા હજી રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. તો બીજી તરફ ખેડુતોને સીધા માર્કેટયાર્ડમાં જ સારા એવા ભાવ એટલે કે 1250થી 1550 સુધીના મળી રહ્યા છે એટલે ખેડૂતો સીધા માર્કેટયાર્ડમાં જ પોતાની મગફળી વેચી રહ્યા છે. જેને લઈ પાલનપુર માર્કેટયાર્ડમા પ્રતિ દિવસે 30થી 35 હજાર બોરીઓની આવક નોંધાઈ રહી છે.

ખેડૂતો અને વેપારીઓ ખુશખુશાલ
એક તરફ ખેડૂતોને ઉંચા ભાવો મળી રહ્યા છે. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં જ સારા એવા પ્રમાણમાં મગફળીની આવક થતાં ખેડૂતો સહિત વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોનુ મગફળીનું ઉત્પાદન ઘટ્યું હતું અને ખેડુતો પર ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ ઘટતાં ઉત્પાદન વચ્ચે ઉત્પન્ન થયેલા પાકના સારા એવા ભાવ મળતા ખેડૂતોની ચિંતા હવે ખુશીમાં ફેરવાયેલી જોવા મળી રહી છે. તો મગફળીના પાકના સ્પોટમાં પણ સારા એવા ભાવ બોલાતાં વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...