પાલનપુર તાલુકાના ચડોતરમાં અમુલ બ્રાન્ડના ડુપ્લીકેટ લોગોનો ઉપયોગ કરી અખાધ ઘી વેચવાના કારસ્તાનનો પર્દાફાસ થયો હતો. આ અંગે જી. સી. એમ. એમ. એફના અધિકારીએ વેપારી સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના ચડોતરની કેબી લોજીસ્ટિક પાર્ક ખાતે દુકાન ધરાવતા નેમાભાઈ જુવારાજી માળી અમુલના માર્કાની ડુપ્લીકેટ વસ્તુઓ બનાવીને વેચાણ કરી રહ્યા હોવાનું જાણવા મળતાં અમુલ ફેડરેશનના અધિકારી જય વિનોદભાઈ ગજ્જરના કહેવાથી અમુલ માર્કેટિંગ વિભાગના અધિકારી આશિષ કુમાર માનજીભાઈ ચૌધરી સ્થળ ઉપર ગયા હતા. અને ઘીનું પાઉચ ખરીદયું હતુ. જેની ઉપર અમુલનો કોઈ ટ્રેડ માર્ક જોવા મળ્યો ન હતો. આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે બનાસ ડેરીના કામરાજભાઈ ચૌધરી સાથે ચડોતર ખાતે આવીને તપાસ કરી હતી.
જ્યાં દુકાનની અંદર પેકિંગ મટીરીયલ, પ્લાસ્ટિકના મટીરીયલ ઉપર અમુલ બ્રાન્ડના નામની આગળ બિલકુલ જીણા અક્ષરથી શ્રી લખેલ હતું. જેથી સામાન્ય લોકો છેતરાઈને અમુલ બ્રાન્ડ સમજી શકે તેના પાછળના ભાગનું ચિત્ર અમુલ ને મળતું ડુપ્લિકેટ બનાવાયું હતુ. તથા પેકીંગ મશીન તથા ખાલી ટીન તથા સગડી, લોખંડની કઢાઈઓ મળી આવી હતી. આ અંગે ફુડ ઇન્સપેકટર દ્વારા લૂઝ ઘીના નમૂના લેવાયા હતા. વેપારીએ સંતોષ કારક જવાબ ન આપતાં અધિકારી જય વિનોદભાઇ ગજ્જરે વેપારી નેમાભાઈ જુવારાભાઈ માળી સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે ચડોતરમાં દુકાનમાંથી અમુલ ઘીના માર્કા વાળુ પાઉચ લીધા પછી વેપારીએ પોતાની દુકાન બંધ કરી દીધી હતી. દરમિયાન જી સી એમ એમ એફના ટેરીટરી સેલ્સ ઇન્ચાર્જ જય વિનોદભાઈ ગજ્જર, ક્વોલિટી એશ્યોરન્સ વેંકટરાવ, ગૌરવભાઈ સતિષભાઈ પંચાલ, ફૂડ ડ્રગ્સ વિભાગના અધિકારી પી. આર. સુથાર, તેજેન્દ્રભાઈ પટેલે દુકાન ખોલાવી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.