પાલનપુરમાં છેલ્લા બે માસમાં બે સિનિયર સીટીજન વૃધ્ધાઓને પેન્શન અને વિધવા સહાય આપવાના બ્હાને તેમના હાથમાંથી સોનાની બંગડીઓ સેરવી લેનાર અમદાવાદના શખ્સને પૂર્વ પોલીસની ટીમે રાજસ્થાના અજમેરથી દબોચી લીધો હતો. જેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં ચાર દિવસ અગાઉ આવેલા શખ્સે વૃધ્ધ દંપતિ બંસીધરભાઇ અને તેમના પત્ની દેવીબેનને પેન્શનનું બહાનું બતાવ્યું હતુ. અને વિશ્વાસમાં લઇ સોનાની બે બંગડીઓ કઢાવી લઇને નાસી ગયો હતો. તેમજ 16 ડિસેમ્બરે કોલેજ કંમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન મોદીને વિધવા સહાયના કાગળિયા કરી આપવાનું કહી ફોટા પાડવાના બ્હાને સોનાની બંગડીઓ કઢાવી લઇ નાસી ગયો હતો. જેને ઝડપી લેવા માટે પૂર્વ પોલીસ મથકના પીઆઇ જે.પી ગોસાઈએ ટીમ બનાવી હતી.
જેમણે ગણત્રીના દિવસોમાં ભેદ ઉકેલી રાજસ્થાનના અજમેરથી દબોચી લીધો હતો. અને રૂપિયા 1,25,000ની 40 ગ્રામ સોનાની બંગડી તેમજ રૂપિયા 1,35,000ની ત્રણ તોલાની સોનાની બે બંગડી રીકવર કરી હતી.પૂર્વ પોલીસ મથકના પીઆઇ જે. પી. ગોસાઇએ જણાવ્યું હતુ કે, મુળ વીસનગર ઘટીયાવાસ તળાવ લાલદરવાજા વિસ્તારમાં અને હાલ અમદાવાદ જાનસાહેબની હવેલી હોટલ બસેરા નજીક રહેતો સિરાજ મહંમદ ફઝલ મહંમદ મેમણ, (ઉં.વ.20) ધોરણ 8 પાસ છે.
જે કોઇ કામ ધંધો કરતો ન હોઇ મોજશોખ ખાતર છેતરપીંડી કરવાના રવાડે ચઢી ગયો હતો. પાલનપુરમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ થી કડી મેળવી ટેકનિકલ સર્વેન્સ અને સચોટ માહિતીના આધારે તેને અજમેર થી ઝડપી લીધો હતો.
અમદાવાદમાં પણ બે સિનીયર સિટીજનને નિશાન બનાવ્યા
શખ્સ અલગ અલગ શહેરમાં રહેણાંક વિસ્તારમાં ફરી રેકી કરી એકલદોકલ રહેતા સિનિયર સિટીઝનને પેન્શન તથા અન્ય સરકારી સહાયની લાલચ આપી વિશ્વાસમાં લેતો અને દાગીના કે અન્ય કીમતી ચીજ વસ્તુના ફોટા પડવાના બહાને ઠગાઈ કરી મેળવી લેવાની મોડસ એપરેન્ડી ધરાવતો હતો. જેણે અમદાવાદમાં પણ બે સીનીયર સિટીજન સાથે છેતરપીંડી આચરી હોવાનું કબુલ્યું છે. અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો છે. કોઇના સાથે છેતરપીંડી થઇ હોય તો બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરવા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.