વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન:પાલનપુર ટાઉનહોલ ખાતે લોકદરબાર કાર્યક્રમ યોજાયો, વ્યાજખોરીનો ભોગ બનેલાઓએ પોતાનો પ્રશ્નો રજૂ કર્યા

બનાસકાંઠા (પાલનપુર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મહાનિર્દેશક સરહદી રેન્જ આઈ.જી જે.આર. મોથલિયાની ઉપસ્થિતિમાં પાલનપુર ટાઉનહોલ ખાતે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વધી રહેલી વ્યાજખોરીને ડામવા માટે આયોજીત લોક દરબારમાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમજ વ્યાજખોરીની આ સામાજીક દૂષણરૂપી પ્રવૃતિને નાથવા માટે પોલીસને રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા યોગ્ય સૂચનો કરી જે વ્યક્તિ જાહેરમાં પ્રશ્નો રજૂ ના કરી શકે તેવા લોકો ખાનગીમાં પોલીસ સ્ટેશન જઈને પ્રશ્નો રજૂ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોની આપવીતી સાંભળી
બોર્ડર રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિર્દેશક જે.આર.મોથલિયાએ જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દુષણને ડામવા માટે હાથ ધરાયેલા અભિયાનમાં આપ સૌના સાથ સહકારની જરૂર છે. આપના પ્રશ્નો જણાવો અમે નિશ્ચિત સમયમર્યાદામાં અસરકારક પગલાં લઈશું. તેમણે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોની આપવીતી સાંભળી હતી અને જિલ્લા પોલીસને તાત્કાલિક ધોરણે આવા તત્વો સામે કડક પગલાં લેવા આદેશ કર્યો હતો.

વ્યાજખોરીને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોને 100 નંબર પર પોતાની રજૂઆત કરવા તેમજ ગુડ મોર્નિંગ કે ગુડ નાઈટ જેવા મેસેજોની જેમ પોલીસને આ બાબતે આવા મેસેજ કરવા અપીલ કરી હતી. વધુમાં જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર અંતર્ગત અમે લોકોની વચ્ચે જઈશુ અને તેઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશુ, લોક દરબાર અંતર્ગત લોકોને કાયદાકીય સલાહ આપવાથી લઈને તેઓને સરકારની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવશે એમ જણાવી વ્યાજખોરી એક સામાજીક દુષણ છે તેને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે, જનતા ફરિયાદ લઈને પોલીસ પાસે આવે છે પરંતુ આજે અમે ખુદ આપની પાસે આવ્યા છીએ. આપના પ્રશ્નો સાંભળવા માટે એમ જણાવી કોઈ પણ જાતની સમસ્યા હોય, તો તુરંત જ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરવો જેથી પોલીસ આપની મદદ કરી શકે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...