આયોજન:થરામાં ભરવાડ સમાજની 4 રાજ્યોની 3001 દીકરીઓના સમૂહ લગ્નયોજાશે, ભાગવત કથા ઇતિહાસ સર્જશે

થરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી ખાતે સમૂહલગ્નમાં 12 લાખથી વધુ લોકો કન્યાઓને આશીર્વાદ આપવા ઉમટશે
  • 100 જેટલા જીપીએસસી પરીક્ષાની તૈયારી કરતાં ભરવાડ સમાજના યુવકો સહિત હજારો સ્વયંમ સેવકો કાર્યક્રમમાં સેવા આપશે

અમૃત ઠાકોર
કાંકરેજ તાલુકાના થરા ખાતે જાન્યુઆરી માસમાં ગુજરાત રાજ્યના કુલ 3001 કન્યાઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું છે અને પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાના મુખેથી ભાગવત કથા અને રોજ રાત્રે ખ્યાતનામ કલાકારોના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૈયા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે વિશાળ સમૂહ લગ્ન થકી ભરવાડ સમાજ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરશે તેમાં કોઈ શક નથી.

આ સમૂહલગ્નમાં સમગ્ર ભારતભ માંથી ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહેશે. થરા ખાતે આવેલી ભરવાડ સમાજની ગુરુગાદી થરા ખાતે 800 વીઘાથી વધુ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. જેમાં 100 જેટલા જીપીએસસી પરીક્ષાની તૈયારી કરતાં ભરવાડ સમાજના યુવકો સહિત હજારો સ્વયંમ સેવકો આ સમૈયા કાર્યક્રમમાં સેવા આપશે.

જાન્યુઆરી 30 અને 31ના રોજ જે 3001 દીકરીઓના સમૂહલગ્નમાં લગ્ન થવાના છે એ તમામને દાતા દ્વારા કરિયાવરમાં 251 ચીજવસ્તુ આપવામાં આવી છે. સ્થાનિક તંત્રના અધિકારીઓ, મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફિસર, પોલીસ અને વિવિધ વિભાગોનું સંકલન કરવામાં આવી રહ્યું છે. લગ્નસ્થળનું પાર્કિંગ, લગ્ન સ્થળથી 3 કિલોમીટર દૂર રાખવામાં આવ્યું છે. પાર્કિંગ સ્થળેથી લગ્ન સ્થળ સુધી મહેમાનોને લાવવા લઈ જવા માટે 60 લક્ઝુરિયસ બસની સગવડ કરવામાં આવી છે. 200 વીઘામાં ભોજનશાળા ઊભી કરાઇ છે. સમગ્ર થરામાં આવેલા બાવળો ઝાડી ઝાંખરાને જેસીબી મશીનથી સાફ કરવામાં આવ્યા છે.

આ અંગે સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી ઝાઝાવડા વાળીનાથના પૂજ્ય મહંત 1008 શ્રી ઘનશ્યામપુરી બાપુએ જણાવ્યું હતું કે, સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી થરા ખાતે આવેલી છે. તે સ્થળે ઐતિહાસિક સ્વયંભૂ ગ્વાલીનાથ મહાદેવની પુન: પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે અને શિવપુરી બાપુનો ભંડારો પણ યોજાશે. ધાર્મિક ઉત્સવને ગ્વાલીનાથ મહાદેવ થરાનો સમેયૌ એવું નામ આપવામાં આવ્યું છે

સમસ્ત ભરવાડ સમાજની 4 રાજ્યોમાંથી 3001 દીકરીઓના સમુહલગ્ન યોજાશે
આ સમૂહલગ્નમાં અંદાજિત 10 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેના માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. પ્રસાદ ઘરમાં બગદાણાથી સ્વયંસેવકો સેવામાં જોડાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની દીકરીઓના ફેરા 30 જાન્યુઆરીના રોજ યોજાશે. સૌરાષ્ટ્રથી જે લોકો સમૂહલગ્નમાં જોડાશે તેઓએ પોતાના વાહન મોરબીથી સામખિયાળી, રાધનપુર થઇ થરા પહોંચવાનું રહેશે. જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકોને ટોટાણા ખાતે પોતાના વાહનો પાર્ક કરી તેમને લકઝરી મારફતે કાર્યક્રમના સ્થળે લાવવાની વ્યવસ્થા ગોઠવવા માં આવી છે.

આ વિસ્તારની દીકરીઓના 31 જાન્યુઆરીના દિવસે મંગળફેરા સમૂહલગ્નમાં આપવામાં આવશે આજથી 900 વર્ષ પૂર્વે ભરવાડ સમાજની ગુરુગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં સૌ પ્રથમ સમૂહલગ્ન થયા હતા. જેમાં 3009 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ફરી વર્ષો બાદ આ જ પવિત્ર સ્થળે ભરવાડ સમાજનો બીજો ઐતિહાસિક સમૂહલગ્નોત્સવ તા 30 અને 31 જાન્યુઆરીના રોજ યોજવાનો છે.

જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનની 3001 દીકરી પ્રભુતામાં પગલાં માંડશે. આ ભવ્ય સમૂહલગ્નનું વર્લ્ડ બુકમાં નોમિનેશન કરવામાં આવનાર છે. ગુરુગાદી થરાના મહંત 1008 ઘનશ્યામપુરીબાપુ, ગુરુ શિવપુરીબાપુના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે અને તૈયારીના ભાગરૂપે આ સામાજિક અને ધાર્મિક કાર્યમાં ઉપસ્થિત રહેવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંતો મહંતોને આમન્ત્રણ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...