બનાસકાંઠા જિલ્લાના ડીસાની દાંતીવાડા સિંચાઈ વિભાગની કચેરીના સ્ટોર રૂમમાં અચાનક આગ લાગી ભભુકી ઉઠી હતી. જેને લઈ કર્મચારી તેમજ સ્થાનિકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
જિલ્લાના ડીસા ખાતે આવેલી દાંતીવાડા સિંચાઇની કચેરીમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેને લઈ રેકર્ડ રૂમમાં મૂકેલા કેટલાક દસ્તાવેજો બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટના બનતા ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ત્યારે કચેરીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ તેમજ લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, આગ કાબુમાં ન આવતા ડીસા નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ અંગે કાર્યપાલક ઈજનેર હાર્દિક ચૌધરીએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, સાચી માહિતી વિશેસ તપાસ કરતા માલુમ પડશે. સ્ટોર રૂમ છે જેમાં જુના ડોક્યુમેન્ટ અમુક થોડા હતા, જૂના કોમ્પ્યુટર અને પ્રિન્ટરની વસ્તુઓ હતી જે બળી હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.