રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રીસિરિયલ યોજના અને આત્મા યોજના અંતર્ગત દિયોદર ખાતે આવેલ સંત સદારામ બક્ષીપંચ કુમાર છાત્રાલય કેમ્પસમાં લોકસભા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો હતો. જેમાં સાંસદઓના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ મેળવનાર ખેડુતોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતુ. તથા ન્યુટ્રીશન અને વિવિધ ખેત પેદાશોના કૃષિ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
લોકસભા સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, કૃષિ સહિતના ઘણા વિષયોમાં હિન્દુસ્તાને વિશ્વને માર્ગદર્શન આપ્યું છે. આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રસ્તાવને દુનિયાના 70 દેશોએ સ્વીકારતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આપણા પરંપરાગત પાકો જેવા કે જુવાર, બાજરી, મગ, મઠ જેવા ધાન્ય પાકોમાં પોષણનો ભરપૂર ભંડાર હોય છે તેને ફરીથી અપનાવવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતો, મહિલાઓ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે છે. પ્રાકૃતિક ખેતીના ફેલાવા અને પ્રચાર-પ્રસાર માટે આપણા રાજ્યપાલ દ્વારા સમગ્ર રાજ્યમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે ખેડુતોને અપીલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડુતોની ચિંતા કરી ખેડુતો માટે કૃષિ મેળાની શરૂઆત કરાવી હતી. બાજરી, જુવાર, મકાઈ, બંટી વગેરે જાડા ધાન્યોને પ્રમોટ કરવા માટે આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પુરતુ પાણી મળે એની ચિંતા આ સરકારે કરી છે. કિસાન સન્માન નિધિ દ્વારા વર્ષમાં ત્રણવાર ખેડુતોના ખાતામાં રૂપિયા બે- બે હજાર તેમના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી તંદુરસ્ત જીવન જીવવા તેમણે અનુરોધ કર્યો હતો.જોકે ધારાસભ્ય કેશાજી ચાૈહાણે જણાવ્યું કે ખેતી એ ધંધો નથી પરંતુ આપણી સંસ્કૃતિ છે. ભૂતકાળમાં પણ આપણો દેશ વિશ્વને માર્ગદર્શન કરતો હતો તેવી જ રીતે આજે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં ભારત વિશ્વને માર્ગદર્શન આપી રહ્યો છે. લોકો પ્રાકૃતિક ખેતી અપનાવે તથા લોકજાગૃતિ માટે કૃષિ વિભાગ દ્વારા આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં આગળ વધે તે દિશામાં આગળ વધીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.