ડીસામાંથી મળી આવેલી 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારા નરાધમ સામે આખરે શુક્રવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. સગીરાની માતા જ આ કેસમાં ફરિયાદી બની છે. પ્રથમ ડીસા ખાતે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી ધાનેરા પોલીસ મથકે ફરિયાદ મોકલવામાં આવી છે. હવે ધાનેરા પોલીસે નરાધમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ડીસા સાંઈબાબા મંદિરના ઓટલે બેસી રહેતી 15 વર્ષની ગર્ભવતી સગીરા અને તેની માતાને ડીસાના હિન્દુ સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ બનાસકાંઠા 181 અભયમની મદદ લઇ પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં ખસેડી હતી.
જ્યાંથી સગર્ભા સગીરાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી મેડીકલ ચેક અપ સહિતના રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે. દરમિયાન બોલી ન સકતી સગીરાને ઉપાડી જઇ દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે ફરિયાદ નથી તેને ઝડપી લેવામાં આવે તેવી જિલ્લા વાસીઓને ઉગ્ર માંગ ઉઠવા પામી હતી. આ અંગે ભારત દેશના મહિલા આયોગના સદસ્યા રાજુલબેન દેસાઈએ પણ ગુરુવારે વહીવટીતંત્રને ત્વરિત ફરિયાદ નોંધવા માટે સુચના આપી હતી.
પોલીસે શકમંદોની પૂછપરછ હાથ ધરી
સગર્ભા સગીરાની માતાએ તેના નિવેદનમાં એવું જણાવ્યું હતું કે તેઓ ધાનેરા રહેતા હતા ત્યારે અજાણ્યો શખ્સ તેની સગીર દીકરીને બે વખત ઉઠાવી ગયો હતો અને પછી પરત મૂકી ગયો હતો. તેના નિવેદનના આધારે પોલીસે ડીસા તેમજ ધાનેરાના કેટલાક શકમંદ શખ્સોની પૂછપરછ હાથ ધરી હોવાનું પણ સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.