પાલનપુર તાલુકાના 117 ગામોમાં 8.44 કરોડના વેરા બાકી છે. જેને લઇ હવે સમગ્ર તાલુકામાં વેરા વસૂલવા લોકો સામે કાર્યવાહી કરાશે. દરમિયાન પ્રથમ દિવસે પાલનપુર તાલુકાના બાદરપુરા (કા) ગામમાં વેરો ન ભરતા 27 લોકોના પાણીના નળ જોડાણ કાપી દેવાયા હતા. આ પ્રકારે હવે અન્ય ગામોમાં આક્રમક વેરા ઝુંબેશ કામગીરી હાથ ધરાશે.
ડીડીઓએ સમગ્ર જિલ્લામાં વેરા વસુલાત સો ટકા કરવા અને ગામના તલાટીને દરેક ઘરે-ઘરે પહોંચી કર વસુલવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા. આ માટે તાલુકા વિકાસ અધિકારીઓને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ગામમાંથી કેટલી કર વસૂલાત આવી છે અને કેટલી બાકી છે, તેના રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કક્ષાએ મોકલાવી દેવાય છે. તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે "વેરા વસૂલાત કરવી એ તલાટીની પ્રાથમિક ફરજ છે.
તમામ તલાટી કમ મંત્રીઓને નાણાકીય વર્ષ માં ટાર્ગેટ પ્રમાણે વસુલાત કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે જેમના જેમના પાછલા બાકી છે તેવા મિલકત ધારકોને પ્રથમ નોટિસ અને દ્વિતીય નોટિસ આપ્યા બાદ કાયદેસરકાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે. જે ગામોમાં કાર્યવાહી કરવાની છે તેની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. પાલનપુર તાલુકા વિકાસ અધિકારી આર એન પટેલે જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉના વેરા બાકી છે તેવા ગ્રામજનોને બે - બે નોટીસો પાઠવી દેવાઈ છે.
હવે તેવા લોકોની યાદી બનાવી તેમની સામે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે. પ્રથમ બાદરપુરા ગામમાં 27 નળ જોડાણો કાપવામાં આવ્યા છે. આ જ કામગીરી રોજેરોજ જુદા જુદા ગામોમાં કરવામાં આવશે. તાલુકાના 40 થી 50 ટકા ગામો એવા છે જેમની યાદી બનાવીને ત્યાં આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
પાલનપુર ટીડીઓ ટીમ સાથે બાદરપુરા (કા) ગામની અંદર બાકીદારો સામે કાર્યવાહી કરવા નળ જોડાણ કાપવાની કામગીરી દરમિયાન હાજર હતા તે વખતે એક રહીશે કહ્યું કે "ભલે નળ કનેક્શન કાપી દો અમે વેરો નહીં ભરીએ.પાણી બીજેથી ભરીને લાવીશું.ટીડીઓએ જણાવ્યું હતું કે "દરેક નાગરિકની પ્રથમ ફરજ છે કે જે વસ્તુનો વપરાશ કરે છે તેનો મૂલ્ય ચૂકવે. બજારમાં કોઈપણ વસ્તુ પહેલા પૈસા આપીને પછી મેળવીએ છીએ જ્યારે ગ્રામ પંચાયતની પાણી સફાઈ સહિતની સુવિધાઓ પાછલા કેટલાય સમયથી ગામ લોકોને અપાય છે પરંતુ તેમાં લાપરવાહિ દાખવે છે તે યોગ્ય નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.