આયોજન:પાલનપુરમાં વિકાસલક્ષી કામો પાછળ 5 કરોડ ખર્ચાશે

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની સભામાં વિકાસકામોનું આયોજન,ગણેશપુરા જનતાનગર રોડ નવો બનશે, વરસાદી પાણીની પાઇપલાઇન નખાશે
  • પાલિકાની સભામાં ઓડિયો ક્લિપના વિરોધમાં કાળા કપડાં પહેરીને આવેલા કોંગ્રેસના સભ્યોએ સભામાં વિરોધ ન દર્શાવ્યો

પાલનપુર પાલિકાની શનિવારે યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસ માટે પાંચ કરોડના જુદા જુદા કામોનું આયોજન વિચારવા નિર્ણય લેવાયો હતો જેમાં પ્રાયોરિટીમાં ગણેશપુરા જનતાનગર રોડ નવો બનાવવા , આબુ હાઇવે પર વરસાદી પાણીની પાઇપલાઇન નંખાવવા, ટાઇલટ બ્લોક બનાવવા, રસ્તાઓ મરામત કરવા, એજન્સીઓ પાસેથી સમયસર કામ લેવા સહિતની બાબતો પર સહમતી સધાઈ હતી.

મહત્વના ડમ્પીંગ સાઈડ પર કમ્પાઉન્ડ વોલ ન બનાવનાર એજન્સીની ડિપોઝીટ કરવા 15માં નાણાપંચની ગ્રાન્ટમાં જુદા જુદા વિસ્તારોના કામો લેવા અગાઉ મંજૂર થયેલા ત્રણ કામ થઈ શકે તેવા ન હોવાથી નવા કામો નક્કી કરવા સહિતના જુદા જુદા મુદ્દાઓ ઉપર નિર્ણય કરવામાં આવ્યો હતો. બોર્ડ પૂર્ણ થયા બાદ વિપક્ષની ચેમ્બરમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ એ પત્રકાર પરિષદ યોજી ઓડિયો ક્લિપ મામલે જવાબદારો સામે ભાજપ કેમ કાર્યવાહી નથી કરતું તેવા સવાલ ઉઠાવી ત્રણેયને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી.

પ્રમુખ હેતલબેન રાવલની અધ્યક્ષતામાં શનિવારે સાંજે 4-00 વાગે પાલિકા હોલમાં સભા યોજાઈ હતી. ઓડિયો ક્લિપના વિરોધમાં કાળા કપડા પહેરીને આવેલા કોંગ્રેસના સભ્યોએ કોઈપણ પ્રકારનો વિરોધ સભામાં દર્શાવ્યો ન હતો અને શાંતિથી બોર્ડ ચલાવવા દરેક કામોની ચર્ચા થાય તેવો આગ્રહ રાખ્યો હતો અને શહેરમાં વરસાદ બાદ જ્યાં જ્યાં મુશ્કેલી ઊભી થઈ ત્યાં જે તે વિભાગના સંકલનમાં રહીને પ્રશ્નનું નિરાકરણ લાવવા મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી હતી.

તેમજ જે વોર્ડમાં અગાઉ સ્થાનિક નગર સેવક દ્વારા સૂચવેલા કામો કોઈ જ કારણસર પૂર્ણ થઈ શક્યા નથી તે કામો ના સ્થાને નવા કામો સૂચવી સમયસર ગ્રાન્ટ વપરાય તેવું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2016-17ના સમયગાળા દરમિયાન ઉપયોગ કર્યા વિના જે રકમ પડી રહી છે તેના કામો કરવા નિર્ણય લેવાયો હતો. નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલે વિગતો આપતા જણાવ્યું હતું કે "જુદા જુદા 16 બાબતોની ચર્ચા થઇ હતી. જેમાં પાંચ કરોડનું નવું આયોજન કરવા નિર્ણય લેવાયો હતો.

ગણેશપુરા અંબાજી રોડ આખો નવો બનાવવા, મોટી બજારમાં પે એન્ડ યુઝ બનાવવા તેમજ નેશનલ હાઇવે પર પાણી ન ભરાય તે માટે વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ન્યુ પાલનપુર વિસ્તારમાં પીવાના પાણીની ટાંકી બનીને તૈયાર હતી પરંતુ નેશનલ હાઈવેની મંજૂરી માં દરખાસ્ત અટવાઈ હતી જેનો સુખદ ઉકેલ આવતા હવે પાઇપલાઇન અડધી નંખાઈ ગઈ છે થોડા સમયમાં ત્યાં પણ પાણીનું જોડાણ આપી દેવાતા પાણીનો પ્રશ્ન હળવો થઈ જશે."

બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવાયા
• જુદા જુદા વિસ્તારમાં વિકાસલક્ષી કામો પાછળ 5 કરોડ ખર્ચાશે,
• ગણેશપુરા જનતાનગર માર્ગ નું નવીનીકરણ હાથ ધરાશે,
• મોટી બજારમાં મોટી બજારમાં નવીન પે એન્ડ યુઝ કોમ્પલેક્ષ બનાવાશે,
• નેશનલ હાઈવે પર જ્યાં પાણી ભરાય છે ત્યાં પાઇપલાઇન નંખાશે.
• ન્યુ પાલનપુર વોર્ડ નંબર 1 પાણીનું ટાંકુ શરૂ થશે.
• મુરલી રેસ્ટોરન્ટ થી લીલીયા તળાવ સુધી પુસીંગ લાઈન માટે વધારાનો ખર્ચ 15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ કરવા નિર્ણય લેવાયો.

વાયરલ ઓડિયો વિપક્ષની ચેમ્બરમાં સંભળાવ્યો
સાધારણ સભા પૂર્ણ થયા બાદ પાલિકાના વિપક્ષના નેતાની ચેમ્બરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ મળી હતી જેમાં કોંગ્રેસના તમામ સદસ્યો હાજર રહ્યા હતા જેમની વચ્ચે ઓડિયો ક્લિપ સાઉન્ડ સિસ્ટમ રાખીને સંભળાવવામાં આવી હતી અને વિપક્ષી નેતાએ પાલિકાના ઇતિહાસની આ કલંકિત ઘટના ગણાવી આ પ્રકારનું કૃત્ય આચરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. અંકિતા ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપ શિસ્તને વળેલી પાર્ટી છે અહીં શિસ્ત ભંગ કેમ દેખાતું નથી પાર્ટી એ આવી હરકત કરનાર લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ..!

નવા ટાઉનહોલમાં પાણી ટપકતા એજન્સીને પાલિકા દ્વારા નોટિસ પાઠવાઈ
પાલનપુર નગરપાલિકાના નવા ટાઉનહોલમાં વરસાદી પાણી ટપકતું હોવાથી ત્રીશૂલ ઇન્સ્ટ્રક્શન નામની એજન્સીને પાલિકા દ્વારા નોટિસ પાઠવી હતી અને સમારકામ કરવા જણાવ્યું હતું જોકે એજન્સીએ આ અંગે પ્રત્યુતર ન આપતા એજન્સીની ડિપોઝિટ રકમમાંથી સમારકામ કરાવવા નિર્ણય લેવાયો હતો.

વિરોધ પક્ષ સમજું નીકળ્યો - અમારે બોર્ડ ચલાવવું હતું એટલે વિરોધ ન કર્યો
અમારે બોર્ડ ચલાવવું હતું. જો કોઈ બાબતે વિરોધ કર્યો હોત તો સાશકો બે મિનિટમાં ઉભા થઈ જતા. એવું ન થાય અને શહેરના હિતમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે બોર્ડ ચલાવવા દરેક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી.> અંકિતા ઠાકોર (વિપક્ષ નેતા )

અન્ય સમાચારો પણ છે...