ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી જાળ બિછાવી ફસાવી દીધા હતા. બાદમાં દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ લઈ લીધા હતા. જોકે છેતરાઈ ગયા હોવાનું ધ્યાને આવતા વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપી આરોપીઓને ઝડપી પાડવા પોલીસને અરજી આપી છે.
અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ
ધાનેરા તાલુકાના ગોલા ગામમાં ભૂવાઓએ નવરાત્રીમાં પીડિત પરિવારને કહ્યું કે 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે ચેહર માતાની બાધા રાખવી પડશે. વાતોમાં આવી ગયેલા પરિવારે બાધા રાખી તો થોડા મહિના સારું રહ્યું જે બાદ ફરી ભૂવાઓએ આવીને કહ્યું હવે અમે જેમ કહ્યું તેમ કરવુ પડશે નહીંતર ફરી દુઃખ શરૂ થશે, દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે, ભોળવાઈ ગયેલા બંને ભાઈઓએ 20 લાખ અને 15 લાખ એમ ઉછીના 35 લાખ લાવીને 11 ડિસેમ્બરે ઘરમાં વિધિ દરમિયાન આપ્યા, તેમજ 1.70 લાખ રૂપિયાની ચાંદીની પાટો પણ આપી.
દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે
ફુલહાર કરી માન સન્માન આપી હરખાતા હૈયે વધામણા કરી આભાર પણ માન્યો. જોકે પાછળથી આ તમામ ભૂવાઓ સમાજમાં અંધશ્રદ્ધાથી પીડાતા માણસોનો ફાયદો ઉઠાવે અને પૈસા તેમજ ઘરેણા લઈ લે છે તેવી હકીકત જાણ્યા પછી ગયેલા પૈસા પાછા લાવવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસ મથકે ગુનો નોંધાવા અરજી આપી હતી.
38 સેકન્ડના વીડિયોમાં આશીર્વાદ જોઈએ આપણે તો, લેવા દેવા વગરનું દેવ દુઃખ હોય તો...સહિતના સંવાદ
પોલીસને પુરાવા રૂપે જે વીડિયો આપવામાં આવ્યો છે તે 38 સેકન્ડના વીડિયોમાં સામે ચારથી પાંચ ભૂવા અને પરિવારના સદસ્યો દેખાય છે. જેમાં દેશી મારવાડી સંવાદ થઈ રહ્યો છે. હાર પહેરેલો યુવાન ભૂવો સતત બંને ખભા હલાવી ધુણતો રહે છે. જેની આગળ 500 - 500 રૂપિયાની ચલણી નોટોના બંડલો તેમજ થાળમાં કંકુ ચોખા દેખાય છે. નોટોની એક થપ્પી ઉપર ચબરકી લખીને મૂકવામાં આવે છે. જે સંવાદો બેકગ્રાઉન્ડમાં થઈ રહ્યા છે તેમાં "આશીર્વાદ જોઈએ આપણે તો, લેવા દેવા વગરનું દેવ દુઃખ હોય તો. ( સંવાદ પરિવારના કોઈ સભ્ય બોલતા હોય તેવું જણાય છે) વીડિયોમાં અન્ય સંવાદ બહુ જ આવે છે જોકે બહાર બેઠેલા કોઈને અંદર બોલાવવાનું કહેવામાં આવે છે જ્યારે સામે ભૂવા સાંકેતિક ભાષામાં જે બાકી છે તે લઈ આવવાનું કહે છે.
ધાનેરા પોલીસે ટીમો બનાવીને તપાસ હાથ ધરી
પટેલ પરિવારને સમજાવી પોલીસ ફરિયાદ માટે અરજી આપતા ધાનેરા પોલીસે આ ઘટનામાં સામેલ લોકોની પીઆઇ એ. ટી. પટેલે તપાસ હાથ ધરી છે. તેમની પાસેથી નાણાં રિકવર કરવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.
અંધશ્રદ્ધા અંગે જાથા સંસ્થાને જાણ કરાઈ
ધાનેરાના ગુજરાત રાજસ્થાન સરહદ પરના ગામોમાં માતાજીના નામે ભૂવાઓ ખુલ્લેઆમ લોકોને લૂંટી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવા માટે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાને જાણ કરવામાં આવી હોવાનું જાગૃત લોકોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.