અવિરત મેઘમહેર:દાંતીવાડામાં 3 કલાકમાં 4 ઇંચ, પાલનપુરમાં 45 મિનિટમાં પોણા ત્રણ ઇંચ, સુઇગામમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર નાની બજારમાં વરસાદી પાણી જાહેર માર્ગ પર ભરાતાં બાઈક સહિતના વાહનો  ફસાઈ ગયા હતા. - Divya Bhaskar
પાલનપુર નાની બજારમાં વરસાદી પાણી જાહેર માર્ગ પર ભરાતાં બાઈક સહિતના વાહનો ફસાઈ ગયા હતા.
  • પાલનપુરમાં હાઇવેની નિચાણવાળી સોસાયટી સહિત રસ્તાઓ ઉપર પાણી ભરાયા

સોમવારે બપોર બાદ દાંતીવાડામાં 3 કલાકમાં 4 ઇંચ, પાલનપુરમાં 45 મિનિટમાં પોણા ત્રણ ઇંચ, સુઇગામમાં 3 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઇ દાંતીવાડા તાલુકામાં ઠેરઠેર પાણી રસ્તાઓ ઉપર ભરાયા હતા. જ્યારે પાલનપુરમાં હાઇવેની નિચાણવાળી સોસાયટી સહિત રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જેથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સુઇગામમાં પણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

દાંતામાં વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ભરાયા હતા.
દાંતામાં વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ભરાયા હતા.

દાંતીવાડા તાલુકામાં 4 થી 7 ના સમયમાં 99 મિમિ એટલે કે 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઇ રસ્તાઓ ઉપર પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પાલનપુરમાં 45 મિનિટમાં 68 મિમિ એટલે કે પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેની લઇ શહેરના બ્રિજેશ્વર કોલોની, પ્રતાપભાઈની વાડી, કમાલપુરા, નાની બજાર, માલણ દરવાજા, આનંદ નગર, સુખબાગ રોડ, વૃદાવન કોલોની, અર્બુદા નગર, કીર્તિસ્તંભ, સુરમંદિર સિનેમા વિસ્તાર, ગણેશપુરા, સોનબાગ, ભવદીપ સોસાયટી સહિતના નીચાણવાળા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાતા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. શહેરનું સમગ્ર પાણી ગોબરી તળાવ, માન સરોવર અને લડબી નદીમાં નિકાલ થયો હતો.

જ્યાં પાલનપુર હાઇવે સહિત શહેરના મુખ્યમાર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. પાલનપુરના બ્રિજેશ્વર કોલોની રોડ ઉપર મહિલા મંડળ પાસે ખાડામાં વરસાદને લઇ બાઇક, રિક્ષા અને ઇકો ખાબકતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે સુઈગામમાં બપોરે 2 થી 5 માં 44 મિમિ એટલે કે પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો. વાવમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો.

જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. વરસાદને લઈ નીચાણવાણી જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. દાંતામાં સાંજના સુમારે એકાએક વરસાદી વાદળો ગોરંભાયા હતા. છ વાગ્યાના સુમારે મુશળધાર વરસાદ ખાબકતા માર્ગો પર વરસાદી પાણી ઉભરાયા હતા.

​​​​​​​દાંતા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઈ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. જોકે રવિવારની મધ્યરાત્રિ બાદ પણ દાંતાના અંતરિયાળ વિસ્તાર સહીત અંબાજીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈ ઠેર ઠેર નદી નાળા પણ ઉભરાયા હતા. સહિત અમીરગઢ, ડીસા, વડગામ, કાંકરેજ તાલુકામાં પણ સામાન્ય વરસાદ પડ્યો હતો. જેને લઇ જિલ્લામાં ઠંડક પ્રસરી હતી.

31 તાલુકામાં પોણા 3 ઇંચ સુધીનો વરસાદ

  • મહેસાણા જિલ્લો : કડીમાં પોણા 3 ઇંચ, બહુચરાજીમાં અઢી ઇંચ
  • પાટણ જિલ્લો : રાધનપુરમાં પોણા 3 ઇંચ, ચાણસ્મા-શંખેશ્વરમાં અડધો ઇંચ
  • બનાસકાંઠા જિલ્લો : દાંતીવાડામાં 3 કલાકમાં 4 ઇંચ, પાલનપુરમાં 45 મિનિટમાં પોણા ત્રણ ઇંચ, સુઇગામમાં પોણા બે ઇંચ વરસાદ
  • સાબરકાંઠા જિલ્લો : હિંમતનગર-પ્રાંતિજમાં 2-2 ઇંચ, તલોદમાં દોઢ
  • અરવલ્લી જિલ્લો : ધનસુરામાં અઢી ઇંચ, બાયડ-મોડાસામાં 1-1 ઇંચ

ઉ.ગુ.ના જળાશયોમાં 5193 કરોડ લિટર પાણીની આવક
ઉપરવાસમાં સારા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 15 પૈકી 6 જળાશયોમાં છેલ્લા 10 દિવસમાં ટુકડે ટુકડે પાણીની સારી એવી આવક થઇ છે. 10 દિવસમાં કુલ 5193 કરોડ લિટર પાણીની આવક થતાં પાણીના જથ્થામાં 2.69 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, સોમવાર સાંજની સ્થિતિએ એક માત્ર ધરોઇ ડેમમાં 277 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...