ઉમેદવારી પત્ર ચકાસણી:બનાસકાંઠામાં 28 ઉમેદવારી પત્ર રદ,105 માન્ય

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર વિધાનસભામાં ઉમેદવારી પત્ર ચકાસણી કેન્દ્રમાં જતા પહેલા બહાર રજીસ્ટરમાં ઉમેદવારે નોંધ કરવી ફરજિયાત બનાવાઈ હતી. - Divya Bhaskar
પાલનપુર વિધાનસભામાં ઉમેદવારી પત્ર ચકાસણી કેન્દ્રમાં જતા પહેલા બહાર રજીસ્ટરમાં ઉમેદવારે નોંધ કરવી ફરજિયાત બનાવાઈ હતી.
  • પાલનપુરમાં 8, વાવમાં 3, થરાદમાં 2, ધાનેરામાં 3, દાંતામાં 4, વડગામમાં 3, ડીસામાં 2, દિયોદરમાં 2, કાંકરેજમાં 1 ફોર્મ રદ
  • પાલનપુરમાં 22 પૈકી 14 ઉમેદવાર મેદાનમાં, સામાન્ય ભૂલોમાં રાઇટ ટુ રિકોલ પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ, ચાર અપક્ષોએ પણ લાપરવાહી દાખવી

બનાસકાંઠાની 9 વિધાનસભામાં 28 ફોર્મ રદ થયા છે. જેમાં વાવમાં 3 થરાદમાં 2 ધાનેરામાં 3 દાંતામાં 4 વડગામમાં 3 પાલનપુરમાં 8 ડીસામાં 2 દિયોદરમાં 2 જ્યારે કાંકરેજમાં 1 ફોર્મ રદ થયા છે. આમ હવે 133 પૈકી 105 ફોર્મ માન્ય રહ્યા છે.

વિધાનસભા ચૂંટણીને લઇ ઉમેદવારી પત્રો ભરાયા બાદ શુક્રવારે તમામ 9 વિધાનસભા મત ક્ષેત્રની પ્રાંત કચેરીઓ ખાતે ધારાસભ્ય બનવા થનગનતા ઉમેદવારોના ઉમેદવારી પત્ર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ કોંગ્રેસના ડમી ઉમેદવાર સહિત 28 ફોર્મ રદ થયા હતા. જેમાં સૌથી વધુ પાલનપુરમાં જુદા જુદા કારણોસર 8 ફોર્મ રદ થયા છે.

વાવ વિધાનસભામાં 10 ઉમેદવારોએ 15 ફોર્મ રજૂ કર્યા હતા જે પૈકી 7 માન્ય રહ્યા છે. થરાદમાં 20 ઉમેદવારોએ 25 ફોર્મ રજૂ કર્યા હતા જેમાંથી 18 માન્ય રહ્યા છે. ધાનેરામાં 17 ઉમેદવારોએ 27 ફોર્મ રજૂ કર્યા હતા જેમાંથી 14 માન્ય રહ્યા છે. દાંતામાં 9 ઉમેદવારોએ 12 ફોર્મ રજૂ કર્યા હતા. જેમાંથી 5 માન્ય રહ્યા છે.

વડગામમાં 15 ઉમેદવારોએ 21 ફોર્મ રજૂ કર્યા હતા જે પૈકી 12 ઉમેદવારો મેદાનમાં છે. પાલનપુરમાં 22 ઉમેદવારોએ સૌથી વધુ 30 ફોર્મ રજૂ કર્યા હતા જે પૈકી 14 ઉમેદવારો રહ્યા છે. પાલનપુરમાં જે આઠ ફોર્મ રદ થયા છે તેમાં જુદી જુદી ક્ષતિઓ સામે આવી છે. જેમાં કોંગ્રેસના દેલવાડીયા અને ભાજપના જગદીશ ઠાકોર ડમી ઉમેદવાર તરીકે ફોર્મ રજ રહ્યું છે.

એ સિવાયના બાકીના છ ફોર્મ જુદી જુદી સામાન્ય લાપરવાહીના લીધે રદ થયા છે. ડીસા વિધાનસભામાં 17 ઉમેદવારોએ 24 ફોર્મ રજૂ કર્યા હતા જે પૈકી 15 ઉમેદવાર રહ્યા છે. દિયોદરમાં 13 ઉમેદવારોએ 19 ફોર્મ ભર્યા હતા જે પૈકી હવે 11 ઉમેદવારો છે. જ્યારે કાંકરેજમાં 10 ઉમેદવારોએ 20 ફોર્મ ભર્યા હતા. તેમાંથી 9 ઉમેદવારો રહ્યા છે. આમ 133 ઉમેદવારોએ 193 ફોર્મ ભર્યા હતા. તે પૈકી હવે 105 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આવનારા 2 દિવસમાં કોણ કોણ ફોર્મ પરત ખેંચે છે તેની ઉપર મીટ મંડાઈ છે.

હિન્દુસ્તાન જનતા પાર્ટીના ઉમેદવારે કોલમ બદલી અને ફોર્મ રદ થઈ ગયું
પાલનપુર વિધાનસભામાં તોફિક મેમણ નામના ઉમેદવારે હિન્દુસ્તાન જનતા પાર્ટીમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં ઉમેદવારી પત્રમાં માન્યતા પ્રાપ્ત પક્ષની કોલમમાં ભર્યું હતું પરંતુ હિન્દુસ્તાન જનતા પાર્ટી માન્યતા પ્રાપ્ત પક્ષ ન હોવાથી ફોર્મ રદ થયું હતું.

ટેકેદાર પાલનપુર વિધાનસભાના બદલે વડગામનો મૂક્યો
રાઇટ ટુ રિકોલ પાર્ટીના ઉમેદવાર જગતાપ કેયુર વિરેન્દ્રસિંહનું ફોર્મ રદ થયું હતું. જેમાં ટેકેદાર પાલનપુર વિધાનસભાનો મુકવાનો હતો પરંતુ પાલનપુર તાલુકાના વગદા ગામનો ટેકેદાર મૂક્યો હતો. વગદા ગામ વડગામ વિધાનસભા વિસ્તારમાં આવે છે તેવી સામાન્ય જાણકારી અંગેની લાપરવાહી ઉમેદવારને ભારે પડી હતી.

અપક્ષમાં 10 ટકેદાર પણ સહી એકપણ નહીં
પાલનપુર વિધાનસભામાં અમીન ભૂટકા નામના ઉમેદવારે ઉમેદવારી પત્રમાં 10 ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું પરંતુ એક પણ ટેકેદારની ફોર્મમાં સહી નહોતી. જેના લીધે ફોર્મ રદ થયું હતું. અન્ય એક સાજીદ હુસેન પરમાર નામના ઉમેદવારે પણ ઉમેદવારી ફોર્મમાં બે ટેકેદારોની સહી બાકી રહી ગઈ હતી. જ્યારે ત્રણનું નામ મતદાર યાદી સાથે મેચ થતું ન હતું. જ્યારે મોગજીભાઈ ઠાકોર નામના ઉમેદવારે તો સોગંદનામામાં અધૂરી વિગતો દર્શાવી હતી અને સહી પણ નહોતી કરી.

ફોર્મ ભર્યું પણ સોગંદનામુ જ જોડવાનું રહી ગયું
પાટીદાર સમાજના આગેવાન ગઢના વતની ગોવિંદ ભુટકાએ પાટીદાર વોટો અંકે કરવા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ઉમેદવારી ફોર્મની સાથે સોગંદનામુ જોડવાનું જ રહી ગયું હતું. જેના લીધે ઉમેદવારી કરવાના સપનાઓ ચકનાચૂર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...