ખેડૂતોની આશ:દાંતા,અમીરગઢના 34 લઘુ સિંચાઈના 18 ડેમ હજુ ખાલીખમ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 186.60 MCFT પૈકી 70.60નું જળ સંગ્રહ થયું,દાંતાના કેટલાક તળાવો માંડ 8 થી 10 ટકા ભરાયાં

અડધા ગુજરાતમાં બારે મેઘ ખાંગા હોવા છતાં બ.કાં. જિલ્લાના મોટાભાગના તળાવો ખાલી ખમ છે. જિલ્લાના વરસાદ આધારિત ખેતી કરતા દાતા અમીરગઢના વનવાસી તાલુકાઓમાં ડુંગરાળ વિસ્તાર વધુ હોવાથી અહીં લઘુ સિંચાઈ સ્કીમ અમલમાં છે જ્યાં બે પહાડોની વચમાં પાળા બનાવીને વરસાદી પાણી સંગ્રહ કરવામાં આવે છે અને તે જ પાણી સિંચાઈ માટે અપાય છે.

દાંતા અને અમીરગઢ તાલુકામાં આવેલી 34 સિંચાઈ પૈકી 16 સ્કીમ એવી છે જેમાં હજુ પાણી ભરાયા નથી બાકીની સિંચાઇ સ્કીમમાં 8 થી 10 ટકા જેટલું પાણી જમા થયું છે.દાતા અને અમીરગઢ તાલુકાની વનવાસી પ્રજા શિયાળાની સિઝનમાં ખેતી કરી શકાય તે માટે લઘુ સિંચાઈ સ્કીમમાંથી પાણી અપાય છે. કેટલીક લઘુ સિંચાઈ સ્કીમ કેનાલથી કનેક્ટ છે તેમને કેનાલ દ્વારા પાણી અપાય છે.

કેટલાક ખેડૂતો ડીઝલ પંપ મૂકીને પાણી લે છે. પરંતુ અડધો જુલાઈ પૂરો થયો હોવા છતાં હજુ માંડ 8 થી 10% જ ડેમ ભરાયા છે. દાંતાના સોળસંડા, સાંઢોસી, માંકડી, ખંડોર ઉમરી, છોટા બામોદરા, મીરાવાસ, વગદાક્યારી, પીઠ ગાજીપુર, પાવઠી નાળા, હડાદ, માકણ ચંપા, વણઝારા, મોતીપુરા, મહુડી, મોટા પીપોદરા, દીવડી , જશવંત સાગર, માણેકનાથ, આમરોહી, કણબીયાવાસ, રાયણીયા, ભચડિયા, હમીરસાગર અને પાણીયારી ડેમ ભરાય તેવી ખેડૂતોની આશ છે.

જ્યારે અમીરગઢ તાલુકાના ડુંગરપુરા, બાલુન્દ્રા, સોનવાડી, ઝાંઝરવા, કપાસિયા, ગાંઘુ, જેથી, કાનપુરા, ઢોલીયા, ખારા, નીચલો બંધ, પેડચોળી અને ટાઢોળી તેમજ પાલનપુર તાલુકાનું હાથીદરા ડેમ ભરાય તેવી ખેડૂતો આશ લગાવીને બેઠા છે.જિલ્લા પંચાયત લઘુ સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે " ગાંધીનગર પંચાયત સિંચાઈ વર્તુળમાં અમદાવાદ આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર ખેડા મહેસાણા પાટણ અને સાબરકાંઠા જિલ્લાનું સમાવેશ થાય છે જેમાં આઠ જિલ્લામાં 789.00 MCFT જથ્થા પૈકી 403.73 જથ્થો ભરાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછું 187.60 MCFT માંથી માત્ર 70.60 MCFT જથ્થો 12 જુલાઈની સ્થિતિએ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...