કાર્યવાહી:પાલનપુર નજીકથી ટ્રકમાં કતલખાને લઇ જવાતાં 16 પશુઓ બચાવાયાં

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરાર ચાલક સહિત બે સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી

ભાસ્કર ન્યૂઝ| પાલનપુર પાલનપુર આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલ નાકા પાસેથી જીવ દયા પ્રેમીઓએ ટ્રકમાં કતલખાને લઇ જવાતા 16 પશુઓ બચાવી લીધા હતા. પોલીસે ટ્રક મુકી નાસી છૂટેલા ચાલક સહિત બે સામે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરના એરોમા સર્કલ નજીક બાઇક ઉપર પસાર થઈ રહેલા વિશાલભાઈ મહેન્દ્રભાઈ પંચાલ અને તેમના મિત્ર અમીરગઢ તાલુકાના જેથીના લાલજીભાઈ અમરતભાઈ દેસાઈએ હનુમાન ટેકરી નજીક શંકાસ્પદ ટ્રક નંબર જીજે. 08. એજી.8513 ઉભી રખાવા માટે પ્રયત્ન કર્યો હતો. જોકે, ચાલકે ટ્રક ઉભી ન રાખતાં બન્નેએ તેનો પીછો કર્યો હતો. જ્યાં પાલનપુર આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા નજીક ટ્રાફિક હોવાથી ટ્રક ઉભી રાખી તેનો ચાલક અને અન્ય શખ્સ નાસી છૂટ્યા હતા. જ્યાં જીવદયા પ્રેમી પાલનપુરના નળાસરના ચેતનભાઇ કરસનભાઈ પંચાલ, પાલનપુરના રાહુલભાઈ વિજયભાઈ જૈન પણ આવી પહોંચ્યા હતા. બધાએ ટ્રકની તલાસી લેતા અંદર પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા કર્યા વિના ખીચ હાલતમાં ભરેલી 16 નંગ ભેંસ મળી આવી હતી. આ અંગે જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પશુઓને ડીસા જલિયાણા ગૌ સેવા ટ્રસ્ટ ખાતે મોકલવામાં આવી હતી. વિશાલભાઈ પંચાલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક તેમજ અન્ય શખ્સ વિરુદ્ધ ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...