પશુપાલકોને હાશકારો:બનાસકાંઠાના 12 તાલુકા લમ્પી મૂક્ત બન્યા, જિલ્લામાં માત્ર બે એક્ટિવ કેસ

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે માસ દરમ્યાન હાહાકાર મચાવનાર લમ્પી વાઇરસ નાબૂદ થવાના આરે આવતાં લમ્પીમા નવા કેસો અટક્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં લમ્પી સંક્રમણ હળવું બનતા એક બાદ એક તાલુકા લમ્પી મુક્ત બની રહ્યા છે. જિલ્લામાં હાલ પાલનપુર અને વડગામને બાદ કરતાં બાકીના બાર તાલુકા લમ્પી મુક્ત બન્યા છે અને જિલ્લામાં લમ્પીના એક્ટિવ માત્ર બે કેસ હોવાથી પશુપાલકોએ હાશકારો અનુભવ્યો છે.

પશુપાલકોને માથે આભ તૂટી પડ્યું હતું
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં 14 તાલુકાના 969 ગામડાઓમાં પ્રકોપ વાર્તાવનાર લમ્પીએ 38 હજાર 493થી વધુ પશુઓને સંક્રમિત કરતા લમ્પીની પીડાથી 881થી વધુ પશુ મોતને ભેટ્યા હતા. તેથી પશુપાલકો કફોડી હાલતમાં મુકાયાં હતાં. જોકે, ગામે ગામ લમ્પીનો પ્રકોપ વધતાં અને એક બાદ એક પશુઓના ટપો ટપ મોતથી પશુપાલકોના માથે આભ તૂટી પડ્યું હતું.

પાલનપુર અને વડગામમાં માત્ર બે કેસ એક્ટિવ
છેલ્લા અઠવાડિયાથી લમ્પી સંક્રમણ અંકુશમાં આવતાં એક બાદ એક તાલુકા લમ્પી મુક્ત બની રહ્યા છે. રવિવારે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા લમ્પીના આંકડાથી પશુપાલકોએ હાશકારો અનુભવ્યો છે. જેમાં જિલ્લામાં લમ્પી પ્રભાવિત નવું કોઈ ગામ નોંધાયું નથી. જ્યારે નવા કેસ અને મરણનો આંક ઝીરો પર પહોંચ્યો છે. હાલ પાલનપુર અને વડગામને બાદ કરતા દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, કાંકરેજ, વાવ, થરાદ, ભાભર, દિયોદર, ધાનેરા, સુઇગામ અને લાખણી તાલુકા લમ્પી મુક્ત બન્યા બાદ પાલનપુર અને વડગામમાં માત્ર બે કેસ એક્ટિવ છે. જિલ્લામાં લમ્પીના નવાં કેસ, મરણ કેસ સામે આવ્યા નથી. જોકે, બે માસ બાદ લમ્પીનું સંક્રમણ નાબૂદીના આરે આવતાં અને એક બાદ એક તાલુકો લમ્પી મુક્ત બનતા પશુપાલકોએ હાશકારો અનુભવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...