બનાસકાંઠાના પાલનપુર, મીઠી પાલડી, શિહોરી, ભાભર અને થરામાંથી પોલીસે રૂપિયા 9,460 ની 109 પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકી ઝડપી હતી. આ અંગે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણના એક દિવસ અગાઉ ચોરી છુપીથી ચાઈનીઝ દોરી વેચતા પાંચ શખ્સોને ઝડપી પોલીસે કાર્યવાહી કરી હતી. જ્યાં પાલનપુરના પશ્ચિમ પોલીસની ટીમે તિરુપતિ પ્લાઝા સામે તપાસ કરતા બેચરપુરા ટેકરાવાળી સ્કૂલ નજીક રહેતા જતીનકુમાર રાજેશભાઈ દાંતીમાર કપડાંની થેલીમાં ચાઈનીઝ દોરીની ફીરકીનું વેચાણ કરતો હતો. થેલી ચેક કરતા તેમાંથી ચાઈનીઝ દોરીની રૂપિયા 800ની ફીરકી નંગ ચાર મળી આવી હતી. આ ચાઈનીઝ દોરીની ફીરકી પાલનપુર તાલુકાના માલણના રાહુલભાઈ ઠાકોર પાસેથી લીધી હોવાનું કહ્યું હતું. પોલીસે બંને શખ્સો સામે જાહેરનામા ભંગ મુજબનો ગુનો નોંધ્યો હતો.
દિયોદરના મીઠી પાલડી ગામેથી દિયોદર પોલીસની ટીમે કિસ્મત જનરલ સ્ટોર્સની દુકાનમાં તપાસ કરી હતી. જ્યાં બળદેવપુરી હંસપુરી ગૌસ્વામી પાસેથી રૂપિયા 60ની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ 3 કબ્જે લીધી હતી.
શિહોરી પોલીસની ટીમે બજારમાં ચાઈનીઝ દોરી વેચતા રઘુવંશી સોસાયટીના લીલાભાઇ માધાભાઇ પરમાર (પાટાણી )ની લારીમાં તપાસ કરી હતી. જ્યાંથી 14 નંગ ચાઈના દોરીના ચાકડા મળી આવ્યા હતા. એક નંગના રૂપિયા 300 લેખે કુલ રૂપિયા 4200નો મુદ્દામાલ કબ્જે લઈ શિહોરી પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
ભાભર પોલીસે લાઠી બજારમાં સ્મિત ફૂટવેર દુકાનમાં તપાસ કરી હતી. જ્યાં ચાઈનીઝ દોરી વેચતા ભાભર સરસ્વતી સોસાયટીના મેઘજીભાઈ ઉર્ફે મુકેશ જેમલભાઈ પ્રજાપતિ પાસેથી રૂપિયા 900 ની ચાઈનીઝ દોરીના રોલ નંગ 18 કબજે લીધા હતા. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. થરા પોલીસની ટીમે ટોટાણા ગામે કરિયાણા સ્ટોર્સમાં તપાસ કરી હતી. જ્યાં કટ્ટામાં પડેલી રૂપિયા 3500 ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ 70 કબજે લીધી હતી. આ અંગે વેપારી સવશીજી દેહળજી ઠાકોર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.