સરકારે નાના બાળકોનું રાશન બંધ કર્યું:પાલનપુરના 1000 રેશનકાર્ડમાં નાના બાળકોનું રાશન બંધ

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે 5 વર્ષથી ઉપરના બાળકોને આધારકાર્ડમાં ફિંગર નવેસરથી આપવા પડશે

પાલનપુર તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં 1000 રાશનકાર્ડમાંથી સરકારે નાના બાળકોનું રાશન બંધ કર્યું છે. આ બાળકોના જન્મ સમયે નામ ઉમેરાયા હતા. જોકે, પાંચ વર્ષ ઉપરની વય થયા પછી આધારકાર્ડમાં નવેસરથી ફિંગર પ્રિન્ટ આપી ન હોવાથી નામ સાયલન્ટ કરવામાં આવ્યા છે. આવા પરિવારોએ બાળકોના આધારકાર્ડમાં નવી ફિંગર પ્રિન્ટ આપી તાલુકા પુરવઠા કચેરીએ પ્રોસેસ કરાવી રાશન મેળવી શકશે.

પાલનપુર તાલુકાની 2,15,340ની વસ્તીમાં કુલ 45,448 પરિવારો રાશનકાર્ડ ધરાવે છે. અને પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારમાંથી સરકારના નીતિ નિયમો પ્રમાણે રાશન મેળવી રહ્યા છે. જોકે 1000 પરિવારો એવા છે જેમના બાળકોના નામે સરકારે રાશન બંધ કરી દીધું છે.અંગે પાલનપુર પુરવઠા કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, 1000 જેટલા પરિવારમાં બાળકો જન્મ્યા તે સમયે તેમના નામ રાશનકાર્ડમાં ઉમેરાયા હતા. જોકે તેઓ 5 વર્ષ ઉપરની વયના થયા તે પછી આધાર કાર્ડમાં નવેસરથી ફિંગર પ્રિન્ટ આપી ન હોવાથી તેમના નામ સાયલન્ટ કર્યા છે. આવા પરિવારો પોતાના બાળકોના આધારકાર્ડમાં નવી ફિંગર પ્રિન્ટ આપી તાલુકા પુરવઠા કચેરીએ પ્રોસેસ કરાવી તેમના નામનું રાશન મેળવી શકશે.

25 થી 30 ટકા લોકોની ફિંગર પ્રિન્ટ આવતી નથી
પાલનપુર સદભાવના ગ્રુપના પ્રમુખ હરેશ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં ગ્રાહક સસ્તા અનાજની દુકાને રાશન લેવા જાય ત્યારે 25 થી 30 ટકા લોકોના ફિંગર પ્રિન્ટ આવતા નથી. ત્યારે તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મોબાઇલમાં ઓટીપી મેળવી ગરીબ ગ્રાહકોને રાશનનો જથ્થો આપવામાં આવે અને આ સગવડ ઝડપી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

ફિંગર પ્રિન્ટ નથી આવતી તો મોબાઈલમાં ઓટીપી મોકલી રાશન અપાશે
બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વર્તમાન સમયે પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારમાં રાશન લેવા જતી વખતે ફિંગર પ્રિન્ટ ન આવતી હોવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઉઠી છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, આધાર કાર્ડ અને રેશનકાર્ડ સીડીંગ થયેલું હોય તો પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના સંચાલકે પ્રોસેસ કરી ગ્રાહકના મોબાઇલમાં ઓટીપી મોકલી તેને રાશન આપશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ફોટો આઈડીથી પણ ગ્રાહક રાશન મેળવી શકે છે.

છ મહિના સુધી રાશન ન લો તો રેશનકાર્ડ આપોઆપ બંધ થઈ જશે
જો ગ્રાહક સસ્તા અનાજની દુકાનમાં ફિંગર પ્રિન્ટ ન આવવાના કારણે સતત 6 મહિના સુધી રાશન નથી લેતો તો તેનું રાશનકાર્ડ આપોઆપ બંધ થઈ જશે. જેને ચાલુ કરાવવા તાલુકા પુરવઠા કચેરીએ જઈ નવેસરથી ફિંગર પ્રિન્ટની પ્રોસેસ કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...