માગ:કાંકરેજ તાલુકામાં પાણીના તળ 1200 ફૂટે પહોંચ્યા, કેનાલ દ્વારા બનાસ નદીમાં પાણી નાખવા લોકમાંગ

શિહોરી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરવેલમાંથી પાણી ખેંચવા દસ-પંદર દિવસે નવી કોલમ નાખવી પડે છે

કાંકરેજ તાલુકામાં પાણીના તળ ઘણા ઊંડા ગયા છે અને ભૂગર્ભમાં જળ એકદમ ઘટવા લાગ્યા છે. જેથી બોરવેલમાં દશ-પંદર દિવસે નવી કોલમ નાખવી પડે છે. કોલમો વધુ થવાથી મોટરો પાણી બહાર લાવી શક્તિ નથી ત્યારે મોટર પણ બદલવી પડે છે અને લાખો રૂપિયાનો ખર્ચ અચાનક ભોગવવાનો સમય આવ્યો છે. જેથી ખેડૂતોમાં ચિંતા વધતા કંબોઇ પાસેથી નીકળેલ સુજલામ સુફલામ કેનાલ દ્વારા બનાસ નદીમાં પાણી નાખવા માંગ ઉઠી છે.

કાંકરેજ તાલુકામાં એક સમયે બારેમાસ બનાસ નદીમાં પાણી વહેતા રહેતા હતા.આ વિસ્તારમાં બારેમાસ વહેતી બનાસ નદી કોરી રહેવા પામી છે અને આ વિસ્તારમાં પાણીના તળ ઉતરવા માંડ્યા છે. ખેડૂતોને કુવાથી સિંચાઈ કરવાની જગ્યાએ બોરવેલો બનાવવા પડ્યા અને હવે વર્ષોથી બનાસ નદીમાં પાણી નહીં આવવાના કારણે આજે બોરવેલો 1200 ફૂટે પહોંચ્યા છે.

ખેડૂતોને હવે સિંચાઈ કરવી મુશ્કેલ બન્યું છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અત્યારે કાળઝાળ ગરમીમાં દસ દિવસે એક કોલમ નાખવી પડે છે અને કોલમો વધુ થઇ જવાથી મોટરોની કેપિસિટી ઓછી થઇ જવાથી મોટર બળી જાય તો ખેડૂતને 30 કે 40 હજાર જેટલો ખર્ચ થઇ જાય છે.

કંબોઇ પાસેથી નીકળેલ સુજલામ સુફલામ કેનાલ દ્વારા બનાસ નદીમાં પાણી નાખવામાં આવે તો આ વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવે અને બોરવેલો ચાલે, નહીંતર હવે આ વિસ્તારના બોરવેલો ફેલ થઇ રહ્યા છે.તેમજ કસરા નંદા કેનાલથી પાઇપ લાઈન નાખી નદીથી કંબોઇ વિસ્તારના તળાવો ભરવામાં આવે તો પણ પાણીના તળ જળવાય તેમ છે. જેમાં કસરા, આગણવાડા, કંબોઇ, રાનેર જેવા મોટા વિસ્તાર અને આ વિસ્તારમાં આવતા ગામોને પણ ફાયદો થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...