કાંકરેજ તાલુકાના શિહોરીમાં બાળકોની ખાનગી હની હોસ્પિટલમાં ત્રીજા માળે આવેલા આઇસીયુમાં બુધવારે વહેલી સવારે શોર્ટ સર્કિટથી લાગેલી આગના ધુમાડાથી સારવાર લઇ રહેલા ત્રણ બાળકો પૈકી ચાર દિવસના એક બાળકનું ગુંગળાઇ જવાથી મોત થયું હતું. જ્યારે એક દિવસ અને પાંચ દિવસના અન્ય બે બાળકોને બચાવી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના ડૉક્ટરે સારવાર કરવાનો ઇન્કાર કરતાં હાજર લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.
શિહોરીમાં ચાર રસ્તા નજીક બનાસ કોમ્પલેક્ષમાં આવેલી ડો. કલ્યાણસિંહ સોઢાની બાળકોની હની હોસ્પિટલમાં ત્રીજા માળે આવેલા આઇસીયુમાં સારવાર માટે ત્રણ બાળકોને દાખલ કરાયા હતા. બુધવારે વહેલી સવારે 5.30 કલાકના સુમારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. હોસ્પિટલના મેનેજર ગઢવીએ જણાવ્યું કે, અચાનક ધુમાડો નીકળતાં હું અને અમારા સ્ટાફના બે કર્મચારીઓ આઇસીયુમાં દોડી ગયા હતા અને ફાયરના સાધનો વડે તેમજ પાણીનો મારો ચલાવી દશેક મિનિટમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો પણ ભેગા થઇ ગયા હતા. ધુમાડો સમગ્ર આઈસીયુમાં પ્રસરી ગયો હોઇ અહીં સારવાર લઇ રહેલા ત્રણ માસૂમ બાળકો પૈકી કાંકરેજના ઉંબરીના સુરેશભાઇ દેવસીભાઇ રાવળના ચાર દિવસના બાળક લાલાભાઇનું ગુંગળાઇ જવાથી મોત થયું હતું. જ્યારે અન્ય બે બાળકોને બચાવી ડીસાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
એક બાળક અને બાળકીને બચાવી લેવાઇ
આઇસીયુમાં શિહોરીનાં કાજલબા કુલદીપસિંહનો એક દિવસનો દીકરો અને દિયોદર તાલુકાના મોજરુનાં આરતીબેન સોલંકીની પાંચ દિવસની દીકરીને બચાવી ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે. જ્યાં બાળકની હાલત ગંભીર હોવાનું તબીબ ડો.જશવંત ટાંકે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.