બનાસકાંઠામાં પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોરો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ રહી છે. જ્યાં ગુરૂવારે પાલનપુર અને ધાનેરાના વેપારીઓએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર મીરા દરવાજા વાલ્મિકીવાસમાં રહેતા મનોજકુમાર ભીખાભાઇ વાલ્મિકીને પૈસાની જરૂર પડતાં પાલનપુર તાલુકાના ગોળાનો ભાવેશભાઇ લાલજીભાઇ પરમાર, અસ્માપુરાનો કિશોરભાઇ દરબાર અને વડગામ તાલુકાનો ડાલવાણાનો રણજીતભાઇ પાસે પોતાની ઇકો ગાડી નં. જીજે. 08. એપી. 8130 અડાણે મુકી રૂપિયા 40,000 પાંચ ટકાના વ્યાજે લીધા હતા.
દરમિયાન દિવાળી પહેલા રૂપિયા 25,000 આપ્યા હતા. તે વખતે ઉછીના પૈસા આપ્યા હોવાનું પ્રુફ ન હોવાનું કહી ત્રણેય જણાં જલોત્રા લઇ જઇ રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર ઉપર 50,000 હજુબાકી છે તેવું લખાણ લખાવ્યું હતુ. અને હિસાબ પછી જોઇ લેશુ તેમ કહી બીજા દિવસે ગાડી લઇ જવાનું કહ્યુ હતુ. જે પછી ફોન કરી રૂપિયા 50 હજારની પઠાણી ઉઘરાણી કરે છે. આ અંગે મનોજકુમારે પૂર્વ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
ધાનેરા તાલુકાના ધાખાના રમેશભાઇ કાનજીભાઇ પ્રજાપતિને ધાનેરામાં તેમની દુકાનની બાજુમાં દુકાન ધરાવતાં દાંતીવાડા તાલુકાના લાખણાસરના પિયુષભાઇ લીલાભાઇ રબારી સાથે ગાઢ મિત્રતા થઇ હતી. જેમાં પિયુષ રબારીએ સુરતમાં તેનો ફલેટ વેચવા માટે કહી પ્રથમ રૂપિયા 3,05,000 લીધા હતા. જે પછી ઘરે જઇ પરિવારની હાજરીમાં રૂપિયા 13,05,000માં સોદો નક્કી કર્યો હતો. જેની અવેજીમાં 13 કોરા ચેક લીધા હતા જોકે, તે પછી જુદાજુદા સમયે નાણાં લઇ તેના ઉપર વ્યાજ ગણી 11 લાખ ઉપરાંતની રકમ લઇ લીધી હતી.
ફલેટનો દસ્તાવેજ નામે કર્યા પછી તાળુ તોડી અન્ય શખ્સને ભાડે આપી દીધો હતો. આ અંગે કહેવા જતાં કોરા ચેકમાં રૂપિયા 42 લાખ ભરી દીધા છે. જે બેંકમાં નાંખવાની ધમકી આપી હતી. અને હજુ ફલેટના તમામ રૂપિયા બાકી હોવાનું કહી ધમકીઓ આપી હતી. આ અંગે રમેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.