ધાનેરા પાલિકાના પ્રમુખ કમળાબેન નાઇ સામે પોતાના પક્ષના 12 સભ્યો અને ભાજપના 4 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકતા ગુરુવારે પ્રમુખે વિશ્વાસનો મત મેળવવા બાબતે બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્તના વિરુધ્ધમાં મતદાન કરતાં અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો હતો. ધાનેરા નગરપાલિકામાં ગેરવહીવટ અને અન્ય બાબતોને લઇને કોંગ્રેસ પક્ષના જ પ્રમુખ કમળાબેન નાઇ સામે 16 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.
જેમાં 12 સભ્યો કોંગ્રેસના તેમજ 4 સભ્યો ભાજપના જોડાયા હતા અને તે બાબતે વિશ્વાસનો મત મેળવવા માટે ગુરુવારે 11 કલાકે ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવી હતી. જેમાં 26 સભ્યો હાજર રહ્યા હતા. આ બાબતે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને પહેલીવાર પોલીસની ટીમ સભાખંડમાં પણ હાજર રહી હતી.
આ બંદોબસ્ત વચ્ચે સભાની કામગીરી સરું કરી હતી અને પ્રથમ કોંગ્રેસ પક્ષે આપેલ વ્હીપ ચીફ ઓફિસર દ્વારા વાંચવામાં આવેલ અને જ્યારે અવિશ્વાસની દરખાસ્ત બાબતે મતદાન કરવાની વાત આવી ત્યારે ભાજપના 11 સભ્યો સભાખંડ છોડીને મતદાન કર્યા વગર નિકળી ગયા હતા અવિશ્વાસની તરફેણમાં એક પણ મત પડ્યો ન હતો. અવિશ્વાસની વિરુધ્ધમાં 15 મતો પડતા અવિશ્વાસની દરખાસ્ત ના મંજુર થવા પામી હતી. એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા અંદરો અંદરના મનદુ:ખને સમજીને તમામને એક જ સ્ટેજ ઉપર લાવતા ઘી ના ઠામમાં ઘી ભળી જવા પામ્યું હતું.
ભાજપના 11 સભ્યો મતદાન કર્યા વગર નિકળી જતાં તર્કવિતર્ક
ધાનેરા પાલિકામાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકતા બેઠક મળી હતી. ત્યારે અવિશ્વાસની દરખાસ્ત મુકનાર ભાજપના 4 સભ્યો સહિતના 11 સભ્યો મતદાન કર્યા વગર સભા છોડીને જતા રહેતા લોકોમાં અનેક તર્કવિતર્ક જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.