માંગ:ધાનેરામાં લોકદરબારમાં એમ.ડી. ડ્રગ્સની બદી રોકવા લોકોની માંગ

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વિવિધ મુદ્દાઓ ઉપર લોકો દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરાયા

ધાનેરા પોલીસ મથકમાં ગુરુવારે લોકદરબાર રાખવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા શહેરના વિવિધ મુદ્દાઓ ઉપર લોકો દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મુદ્દો એમ.ડી. ડ્રગ્સનો રહ્યો હતો અને પોલીસે આ બાબતે તેમની સામે કાર્યવાહી કરવા માટે તેમજ ધાનેરામાં 10 જગ્યાએ ફરીયાદ પેટી મુકવા માટે પણ લોકોને બાંહેધરી આપી હતી.

થરાદ ડી.વાય.એસ.પી. ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વ્યાજખોરો બાબતે લોકોને પોલીસ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી લોકોના પ્રશ્નો બાબતે પુછતાં ધાનેરા તાલુકામાં હાલમાં ચાલતી બદી અને યુવાધન જે તરફ બદબાદ થાય છે તેવા એમ.ડી. ડ્રગ્સનું ધાનેરામાં મોટા પ્રમાણમાં વેચાણ થાય છે તે બાબતે ખાસ રજુઆતો કરવામાં આવી હતી. તેમજ ધાનેરામાં ટ્રાફિકના મામલે અને ગામડાઓ અને શહેરમાં જે દારૂની બદીઓ છે તે બાબતે પણ ખાસ રજુઆતો કરવામાં આવી હતી.

તે સિવાય વ્યાજખોરો જેમ હાલ ગામડાઓમાં ભુવાઓ પણ લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે તે બાબતે પણ રાવતાભાઇ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવતા પોલીસે ભુવાઓના ભોગ બનેલા લોકોને પણ ફરીયાદ આપવા માટે જણાવ્યું હતું અને જો ના આપી શકે તો ધાનેરામાં ફરીયાદ પેટી મુકવામાં આવશે અને તેમાં તે ફરીયાદ નાંખવામાં આવશે તો પણ પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં થરાદ નાયબ પોલીસ અધિક્ષક સામતભાઇ વારોતરીયા, ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી.પટેલ, ધાનેરા ભાજપના અગ્રણી ભગવાનભાઇ પટેલ, માર્કેટના ચેરમેન ભુરાભાઇ પટેલ, ભાજપના પ્રમુખ હરજીભાઇ પટેલ, જગદિશભાઇ પટેલ, ડો.દઝાભાઇ પટેલ, કિશોરસિંહ રાવ, ધર્મેન્દ્રભાઇ રાજગોર તેમજ ધાનેરા તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.થરાદ ડીવાયએસપી સામતભાઇ વારોતરીયાએ જણાવ્યું હતુ કે પોલીસ દ્વારા શહેરમાં ફરીયાદ પેટી મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...