ધાનેરા તાલુકા પંચાયતમાં બુધવારે મીડિયાની ટીમ દ્વારા 11.30 કલાકે કચેરીના તમામ રૂમોની તપાસ હાથ ધરવામાં આવેલ ત્યારે તાલુકા વિકાસ અધિકારી સહીત તમામ કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી. એક તરફ તલાટી મોડા પડે તો ધાનેરા તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી ભેગા મળીને એક દિવસની બિન પગારી કરી રહયા છે ત્યારે તેઓની કચેરીનો તમામ સ્ટાફ બુધવારે 12 વાગ્યા સુધી કચેરીમાં ક્યાંય જોવા મળ્યો ન હતો. તેમજ ખુદ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી પણ કોઈપણ રજા રિપોર્ટ વગર ગુલ્લી મારી હતી. તેમની સામે જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય કાર્યવાહી કરશે કે પછી આ લોકોને છાવરવામાં આવશે તે બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ એક ઠેકાણે લગ્ન પ્રસંગમાં મોજ માનવા માટે ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ કચેરીમાં એકપણ સ્ટાફ ન હોવાથી આવનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ સરકાર વીજળી બચાવવાની વાતો કરે છે ત્યારે આ કચેરીમાં કોઈ અધીકરી ન હોવા છતાં તમામ રૂમની લાઈટો તેમજ પંખાઓ ચાલુ જ જોવા મળ્યા હતા.આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કેમ તમામ કર્મચારીઓ હાજર ન હતા તેની તપાસ કરાવીશ.
હું મારા સરકારી કામે ગયો હતો : ટડીઓ
હું મારા ઓફિસ કામે બહાર ગયો હોવાથી કોણ હાજર છે તે મને ખબર નથી છતાં આ બાબતે હું તપાસ કરાવું છું. અને જો ગુલ્લી મારી હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું તાલુકા વિકાસ અધિકારી રાજેશ ધનગરએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.