ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા પ્રથમ દિવસે 15 દબાણો હટાવાયા હતા. જ્યારે બીજા દિવસે બુધવારે માત્ર 5જેટલા જ દબાણો હટાવાયા હતા અને સમગ્ર ગ્રામજનો રસ્તા ઉપર આવી આજીજી કરતાં દબાણોની કામગીરી બંધ રાખવી પડી હતી. જેથી ગુરુવારે જીલ્લાની ટીમ સાથે આ દબાણ હટાવવાની કામગીરી કરાનાર છે. ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે 127 જેટલા નાના મોટા કાચા-પાકા દબાણો ઉપર મંગળવારે તાલુકા પંચાયત દ્વારા મોટા પોલીસ કાફલા સાથે સવારથી જ દબાણો હટાવવા માટે કામગીરી શરૂ કરી હતી.
ત્યારે પ્રથમ દિવસે 15 દબાણો હટાવાયા હતા અને બીજા દિવસે મશીનરીમાં ખરાબી આવતા તેમજ ગ્રામજનો દ્વારા વિરોધ દર્શાવતા માત્ર 5 જેટલા દબાણો હટાવ્યા હતા. ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવી તંત્રને બે હાથ જોડી આજીજી કરી દબાણો ન તોડવા રજૂઆત કરી હતી. આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ દબાણો દુર કરવા માટે આદેશ આપતા અને આગામી વધુ બે દિવસ માટે કાર્યક્રમ લંબાવતા તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવવા માટે જીલ્લાની ટીમ પણ ગુરુવારે અનાપુરછોટા ગામે આવશે અને તેમની હાજરીમાં આ દબાણો હટાવવાની કામગીરી કરાનાર હોવાનું તાલુકા પંચાયતના સુત્રોએ જણાવ્યું હતું.
ગૌશાળા તોડાશે તો સરકાર સામે મોરચો માંડવો પડશે
અનાપુરછોટા ગામે દબાણ હટાવવા તમામ ટીમો કામગીરી કરી રહી છે ત્યારે ગૌચર એટલે ગાયોને ચરવા માટેનું હોય છે અને આ ગૌચરમાં હાલમાં ગાયો માટે ગૌશાળા બનાવેલ છે. આ સરકારી અધિકારીઓ આ ગૌશાળા તોડવા માટે પણ કવાયત હાથ ધરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકો જાહેરમાં કહેતા હતા કે સરકાર તો ગાયો માટે કઇ કરતી નથી અને 5 ગામની ગાયોને આ ગૌચરમાં ગૌશાળા બનાવીને રાખીને તેમને જીવાડી રહ્યા છે ત્યારે જો આ ગૌશાળા તોડાશે તો સરકાર સામે મોરચો માંડવો પડશે તેવું ગૌરક્ષક કરસનભાઇ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.