ફૂડ પોઇઝનિંગ:ધાનેરાની માલોત્રા ગૌશાળામાં 24 ગાયોનાં મોત, 40 ગાયોને બચાવી લેવાઈ

ધાનેરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીલો ઘાસચારો ખાવાથી ગાયોનાં મોત થયાનું ડોક્ટરોનું અનુમાન
  • ગાયોને લીલો ઘાસચારો રોજની માફક ખાવા માટે અપાયો હતો
  • ફૂડ પોઇઝન થતાં ગૌશાળામાં ગાયો તરફડવા લાગી હતી

ધાનેરા તાલુકાના માલોત્રા ગામે આવેલ શ્રી વડેચી ગૌશાળામાં શુક્રવારે સાંજના સમયે અચાનક ગાયો મરવા લાગતા ગૌશાળામાં હાજર રહેલ લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને જોત જોતામાં 24 જેટલી ગાયો મરી જવા પામી હતી. પશુ ડોક્ટરોને જાણ કરાતાં તાત્કાલીક આવી જતાં 40 જેટલી ગાયોને બચાવી લેવામાં આવી હતી અને આ ગાયો મરવા પાછળનું કારણ લીલો ઘાસચારો આરોગવાથી ફૂડ પોઇઝન થયું હોવાનું જણાવ્યું હતું.

ધાનેરાના માલોત્રા ગામમાં આવેલી ગૌશાળામાં શુક્રવારે સાંજે ફૂડ પોઇઝનથી ગાયોના મોત થતાં લોકો દોડી આવ્યા હતા.
ધાનેરાના માલોત્રા ગામમાં આવેલી ગૌશાળામાં શુક્રવારે સાંજે ફૂડ પોઇઝનથી ગાયોના મોત થતાં લોકો દોડી આવ્યા હતા.

ધાનેરા તાલુકાના માલોત્રા ગામે ગ્રામજનો દ્વારા શ્રી વડેચી ગૌશાળા બનાવવામાં આવેલ છે અને આ ગૌશાળામાં નાના મોટા થઇ 100 જેટલા ગૌવંશ રાખવામાં આવેલ છે અને લોકો દ્વારા સેવા કરવામાં આવે છે. પરંતુ શુક્રવારે આ તમામ ગાયોને લીલો ઘાસચારો રોજની માફક ખાવા માટે આપવામાં આવ્યો હતો.

પરંતુ આ લીલા ઘાસચારા (લીલી બાજરી)ના કારણે ફૂડ પોઇઝન થતાં ગૌશાળામાં ટપાટપ ગાયો તડફડવા લાગતા ગૌશાળામાં રહેલા લોકોએ તાત્કાલિક ગૌશાળાના આગેવાનો તેમજ પશુ ડોક્ટરનો સંપર્ક કરતાં તાત્કાલિક ગૌશાળામાં દોડી આવ્યા હતા અને સાથે સાથે બનાસડેરીની ટીમ તેમજ સરકારી પશુ ડોક્ટરોની ટીમ પણ આ ગૌશાળામાં આવી પહોંચી હતી અને તાત્કાલિક ગાયોની સારવાર હાથ ધરી હતી. પરંતુ સારવાર દરમિયાન 24 જેટલી ગાયોના મોત નિપજ્યા હતા. જ્યારે 40 જેટલી ગાયોને દવા કરીને બચાવી લેવામાં આવી હતી.

જેમાં ગૌશાળાના પ્રમુખ રત્નાભાઇ પટેલ, મફાભાઇ ફોક તેમજ અન્ય ગૌસેવકો દ્વારા અન્ય ગાયોની સારવારમાં લાગી ગયા હતા અને ગાયોને બચવવા અથાગ મહેનત કરી હતી. આ ઘટાનાની જાણ મામલતદારને થતાં મામલતદારની ટીમ પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ભાજપના તાલુકા પ્રમુખ હરજીભાઇ પટેલ, વસંતભાઇ પુરોહિત તેમજ અન્ય ગૌસેવકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

લીલો ઘાસચારાના સેમ્પલ લેવાયા : પશુ ડોક્ટરો
માલોત્રા ગામમાં આવેલી ગૌશાળામાં ગાયોના મોત થયાની જણ થતાં બનાસડેરીની 6 ટીમ તેમજ સરકારી ડોક્ટરોની ટીમ માલોત્રા આવી પહોંચી હતી. જેમાં લીલા ઘાસચારાના કારણે ફુડપોઇઝન થવાથી મોત થયેલ છે. લીલા ઘાસચારામાં કઇક તકલીફ હોવાથી આ મૃત્યુ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવેલ છે અને આ ઘાસચારાના સેમ્પલ લીધા છે તેવું ત્યાં હાજર રહેલા પશુ ચિકીત્સકે જણાવ્યું હતું.

પંથકના ગૌ સેવકોમાં આઘાતની લાગણી
ગૌશાળાના પ્રમુખ રત્નાભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ ગાયોને રોજ લીલો ઘાસચારો તો આપીએ જ છીએ અને રાબેતા મુજબ આજે પણ લીલો ઘાસચારો જ આપ્યો હતો પરંતુ કયા કારણોસર આ ગાયોના મોત નિપજ્યા છે તે ખબર ના પડી અને 24 ગાયોના મોત થતાં સમગ્ર ગૌસેવકોમાં આઘતની લાગણી છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...