પશુપાલકો પર સંકટ:ધાનેરાના મગરવામાં જ લમ્પીથી 100 પશુનાં મોત, સુઈગામના જલોયામાં એક પરિવારની 32 ગાયો મોતને ભેટી

ધાનેરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજસ્થાનને જોડતી અમીરગઢ, ગુંદરી, નેનાવા સહિતની તમામ બોર્ડરો પશુઓ ની અવર જવર રોકવા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા મોટા વાહનોને રોકવામાં આવી રહ્યા છે. - Divya Bhaskar
ગુજરાત રાજસ્થાનને જોડતી અમીરગઢ, ગુંદરી, નેનાવા સહિતની તમામ બોર્ડરો પશુઓ ની અવર જવર રોકવા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા મોટા વાહનોને રોકવામાં આવી રહ્યા છે.
  • જે પશુ અસરગ્રસ્ત છે તેમણે દૂધ આપવાનું બંધ કરી દીધું
  • સરકાર 30 પશુના મોતનું ગાણું ગાય છે,એક પશુપાલકની 6 ગાયમાંથી 4 ગાય મરી ગઈ,પશુપાલકો પર સંકટ આવી પડ્યું
  • બનાસકાંઠામાં લમ્પી વાયરસ રોકવા સરહદી પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહનોનું સઘન ચેકિંગ કરાયું

ગુજરાતમાં કોરોના વાયરસનો ભય માંડ ઓછો થયો છે ત્યાં પશુઓને થતા લમ્પી વાયરસના ભરડાથી પશુપાલકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ધાનેરાના મગરવા ગામમાં જ 100 પશુના મોત નીપ્યા છે.પરંતુ વાસ્તવિક આંકડો તેનાથી અનેક ગણો વધારે હોવાનું મનાય છે.

સૌથી અસરગ્રસ્તો પૈકીના એક એવા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં જ 500 થી વધુ પશુને લમ્પી સ્કીન ડિસીઝ થયો છે અને 100થી વધુના મોત થયા હોવા છતાં સરકાર 30 પશુ મોતનું ગાણું ગાય છે. ગામમાં એક પશુપાલકની 6 ગાયમાંથી 4 મરી જતાં પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

લમ્પીનો કહેર વર્તાઈ રહ્યો છે.ત્યારે વાસ્વિકતા જાણવા બનાસકાંઠા જીલ્લાના લમ્પીગ્રસ્ત ગામમાં ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ધાનેરામાં લમ્પી વાયરસના ઉદ્ભવ કેન્દ્ર સમાન મગરાવા ગામમાં 500 કરતાં વધુ પશુને વાયરસ લાગુ પડ્યો છે. અહીંયા 100 કરતાં વધુ પશુના મોત થયા હોવાનું સ્થાનિક પશુપાલકે જણાવ્યું હતું.

મગરાવા ગામના રુપાભાઇ નવાભાઇ પટેલ ને ત્યાં છ ગાયો હતી જેમાંથી આ લમ્પીમાં ચાર દુઝણી ગાયોના અચાનક મોત થતાં પરિવારની આજીવિકા છીનવાઇ જતા પરિવારજન શોકાશ્રૃ વહાવી રહ્યાં છે. આ અંગે કલુબેને જણાવ્યું કે અમે 6 ગાયો લોન પર લાવ્યા હતા.

તેમાંથી 4 દુઝણી ગાયના મોત થતા અમને રૂ. 2.80 લાખનું સીધું આર્થિક નુકસાન થવાની સાથે તેના દૂધ થતી રોજ થતી આવક કાયમ માટે બંધ થઇ જતાં પરિવાર આર્થિક સંકટમાં આવી ગયો છે. લોનના હપ્તા ભરી શકીએ તેમ નથી. આ સંજોગોમાં સરકાર મદદ કરશે તો જ અમે સંકટમાંથી બહાર આવી શકીશું.હાલ પશુપાલકો પર સંકટ આવી ગયું છે.

દૂધની આવકમાં પણ ઘટાડો થયો છે
મગરાવામાં લમ્પીના કારણે 100 કરતાં વધુ પશુના મરણ થયા છે. જે પશુ અસરગ્રસ્ત છે તેમણે પણ દૂધ આપવાનું બંધ કરી દેતા ડેરીમાં રોજની દૂધની આવકમાં 1 હજાર લીટરનો ઘટાડો થયો છે. આ વાયરસથી પશુપાલકો બેહાલ થઇ ગયા છે.- રત્નાભાઇ પટેલ(મંત્રી, દૂધ ડેરી)

પશુઓની સારવાર ચાલુ જ છે
મગરાવામાં 450 પશુ વાયરસ અસરગ્રસ્ત છે અને 30નાં મોત થયા છે. બીજા ગામડાઓમાં તપાસ ચાલુ છે પણ મગરાવા સિવાય અન્ય ગામમાં ભાગ્યે જ કેસ જોવા મળે છે. જાડી અને લવારા ગામમાં હવે વાયરસ કાબુમાં છે અને જે પશુ અસરગ્રસ્ત હતા તે સાજા થઇ રહ્યા છે.ડો. મોદી (પશુ ચિકિત્સક)

કોરોનાની જેમ લમ્પીના આંકડા છુપાવાય છે
વાયરસ રાજસ્થાનથી આવ્યો હતો ત્યારે અમે પશુપાલન વિભાગને જાણ કરી હતી પરંતુ શરુમાં તેમની નિષ્કાળજી જોવા મળી હતી. પરિણામે 500થી વધુ લમ્પીની ઝપટે ચડ્યા છે અને 100 મોત થયા છે. સરકાર દ્વારા મોતના આંકડા પણ કોરોનાની જેમ છુપાવાઈ રહ્યા છે.: મફાભાઇ રબારી (અગ્રણી)

મગરાવા ગામે કયા પશુપાલકના કેટલા પશુ મર્યા

  • પટેલ પાંચાભાઇ પુનમાભાઇ -૫ ગાય
  • પટેલ રુપાભાઇ નવાભાઇ - ૪ ગાય
  • રબારી પેરાભાઇ દલાભાઇ - ૬ ગાય
  • પટેલ ભરતભાઇ હેમાભાઇ - ૨ ગાય
  • રબારી ગોવાભાઇ આંખાભાઇ - ૨ ગાય

અનેક પશુપાલકના એકલદોકલ મળી 100 થી વધુ પશુમરણ થયા છે.

બનાસકાંઠામાં લમ્પીનો કહેર યથાવત વધુ 9 પશુના મોત, મૃત્યુ આંક 79એ પહોંચ્યો
પાલનપુર| બનાસકાંઠા જિલ્લામાં લમ્પીના કેસમાં વધારો થતાં બુધવારે વધુ 288 ગામમાં 402 કેસ નોંધાયા હતા.જ્યારે વધુ 9 ગાયોના મોત નિપજ્યા હતા.જ્યાં ડીસા 9, વાવ 54, થરાદ 86, ભાભર 24, દિયોદર 72, ધાનેરા 53, સુઈગામ 61 અને લાખણીની 14 ગાયમાં લમ્પીનો કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધી જિલ્લામાં કુલ.12476 કેસ નોંધાઈ ચુક્યા છે.જ્યારે 9 ગાયોના મોત સાથે કુલ 79 ગાયો મોતને ભેટી હતી.જ્યારે વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી 114 ગામમાં ટ્રીટમેન્ટ આપી રહયાં છે.હાલમાં કુલ 402 કેસ 288 ગામમાં લમ્પી હાહાકાર મચાવી રહ્યો છે.જ્યાં તંત્ર દ્વારા બુધવારે 1,63,548 મળી કુલ 4,89,836 પશુને વેકસીન આપવામાં આવી હતી.

સુઈગામમાં પશુના મોતથી હાહાકાર
સુઈગામના જલોયા ગામના પશુપાલકોની હાલત કફોડી બની છે. ગાયોમાં લમ્પી રોગ આવતા જ અહી છૂટા છવાયા ઢોરને ચરાવવા લઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એક પછી એક ગાયો બીમાર પડવા લાગી. જાણકારીના અભાવે સમયસર નિદાન થયું નહિ અને ટપોટપ ગાયો મોતને ભેટવા લાગી.જે ગાયો મોતને ભેટી તે દૂર દૂર વેરવિખેર હાલતમાં છે.ગામના લાલાભાઇ ચેહરાભાઈ દેસાઈએ જણાવ્યું કેઆ રોગચાળાએ દહેશત સર્જી છે.લગધિરભાઈ રબારીના 4 પુત્રોની 32 ગાયો મોતને ભેટી છે જેમાં હમીરભાઈની 10, ભેમાભાઈની 11, માનસિંહભાઈની 7 અને કમાભાઈની 4 ગાયોનો સમાવેશ થાય છે.મારી પોતાની 3 ગાયો જ્યારે કાનજીભાઈ રબારીની 2 ગાયો મળી 32 ગાયો મોતને ભેટી છે.

અન્ય સમાચારો પણ છે...