સંમેલન:આપણા ગદ્દારોને ઓળખવાની સમજણ આપણે જ કરવી પડશે : વિપુલ ચૌધરી

દિયોદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિયોદર આદર્શ હાઇસ્કુલમાં અર્બુદા સેના દ્વારા એકતા સંમેલન યોજાયું

દિયોદર આદર્શ હાઇસ્કુલ ખાતે રવિવારે દિયોદર તાલુકા અર્બુદા સેના દ્વારા એકતા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત દિયોદર તાલુકાના આંજણા ચૌધરી સમાજના આગેવાનો તેમજ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી વિપુલ ચૌધરીએ સમાજ એકતા અને સમાજની આગેવાની વિખરાઈ ન જાય તે અંતર્ગત આદર્શ વિચારો રજૂ કરી યુવાઓને જગાડવા માટે મહા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. દિયોદર ખાતે રવિવારે વિશાળ બાઈક રેલી યોજી અર્બુદા સેના દ્વારા એકતા મહા સંમેલન અંતર્ગત પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘આંજણા ચૌધરી સમાજ ભારત દેશની શ્વેત ક્રાંતિનો પ્રણેતા છે.

રાજકીય પક્ષ કોઈની ક્યારે જાગીર નથી તે બતાવવાનો સમય પાકી ગયો છે. વર્તમાન સમયના અંગ્રેજોને ઓળખવાનો સમય આવી ગયો છે. ગદ્દારોને ઓળખવા સમજણ સમાજ એ કરવી પડશે. જે સમાજનું આગેવાન ડરપોક થઈ જાય તે સમાજ પ્રગતિ ન કરી શકે તેમજ આગામી બીજી ઓક્ટોબર ગાંધી જયંતીની ઉજવણી અર્બુદા સેના દ્વારા કરવામાં આવશે. અર્બુદા સેના ગાંધીજીના માર્ગે ચાલી સત્યને અહિંસાના માર્ગ અપનાવી ભય અને ભ્રષ્ટાચાર મુક્ત થવાનું છે. વ્યસન મુક્ત થવાનું છે, સ્વચ્છતા અભિયાન, રક્તદાન વગેરે કાર્યક્રમો યોજાશે.

દેશમાં શ્વેત ક્રાંતિના પ્રણેતાઓને સ્થાન મળવું જોઈએ. સ્વ.ગલબાકાકાને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ. આ પ્રસંગે તેઓએ નામ લીધા વિના રાજકીય પક્ષોના આગેવાનોને ચાબખા મારી વર્તમાન સમયે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાની દૂધ ડેરીઓના શાસન વિશે ચાબખા માર્યા હતા. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રજા મને ભૂતપૂર્વ કહે છે પરંતુ અમે તો અભૂતપૂર્વ છીએ તેમ કહી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા, માર્કેટયાર્ડ ચેરમેન ઇશ્વરભાઇ તરક, બનાસ ડેરી ડિરેક્ટર ઇશ્વરભાઇ પટેલ, માલાભાઈ ચૌધરી, વીરભાણભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...