બે વર્ષ અગાઉ લાખણીના ખેરોલા ગામમાં ઘોડીયામાં સૂતેલી 13 મહિનાની માસૂમ બાળકીને અડપલા કરનાર વિકૃત આધેડને દિયોદર સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. લાખણી તાલુકાના ખેરોલા ગામમાં બે વર્ષ અગાઉ 14 માર્ચ 2021ના રોજ 13 માસની દીકરી ઘોડિયામાં સૂતી હતી અને તેની માતા બાજુના ખેતરમાં છાશ લેવા માટે ગયા હતા.
તે દરમિયાન 55 વર્ષનો ખેતર માલિક હીરાભાઈ ચેલાભાઈ રબારીએ આવી ઘોડિયામાં સૂતેલી 13 માસની દીકરીના ગુપ્ત ભાગે અડપલા કરી ઇજા પહોંચાડી હતી. જે બાદ બાળકી રડવા લાગી અને મેડિકલ તપાસ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગ અડપલા કર્યાનું ખુલતા માસૂમ દીકરીની માતાએ આગથળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
ઘોડીયામાં સૂતેલી બાળકીને અડપલા કર્યા
આ અંગેનો કેસ શુક્રવારે દિયોદર એડિશનલ સેશન જજ કે.એસ.હિરપરાની કોર્ટમાં ચાલી જતા ફરજ પરના સરકારી વકીલ ડીવી ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી હીરાભાઈ ચેલાભાઈ રબારીને 20 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ અને ભોગ બનનારની માતાને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
વિકૃત આધેડને દિયોદર સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
આરોપી સામે 12 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડ્યા હતા. દૂરથી માતા જોઈ ગઈ હતી, બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળ્યું : ઘટના બે વર્ષ જૂની છે ખેતરમાં ઘોડિયામાં બાળકી સાથે ગંદી હરકત કરતા તેની માતા જોઈ ગઈ હતી નજીક આવીને જોયું તો બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળી રહ્યું હતું. તમામ પુરાવાઓના આધારે આરોપીને 20 વર્ષની સજા થઈ હતી ખરેખર આવા કિસ્સામાં ફાંસીની જરૂર હતી.
આરોપીને પત્ની કે સંતાનો નથી
વિકૃતિની પરાકાષ્ઠા દર્શાવનાર ખેતરમાં એકલો જ રહેતો હતો. તેને પત્ની કે બાળકો નહોતા, અને હવે તે 20 વર્ષ સુધી જેલમાં રહેશે.
સમાજ માટે કલંકરૂપ ઘટના
સમાજ માટે આ એક કલંકૃપ ઘટના છે નાના બાળકોને પોતાની કોઈ સલામતી નથી ? કોના ઉપર વિશ્વાસ રાખવો? આ ભોગ બનનાર બાળક હજુ તેની માતા કે પિતાને ઓળખતું પણ નથી આવા નાના બાળકને પણ ભોગ બનવું પડે છે આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે, આવા વાસના ભૂખ્યા હેવાન વરુઓને સખતમાં સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ તેથી નાના બાળકોની પૂરતી સલામતી રહે અને આવા ગંભીર ગુનાઓનું પ્રમાણ ઓછું થાય. એમ ડી.વી ઠાકોર સરકારી વકીલે કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.