તપાસ:ડીસાના મીરા મહોલ્લામાં ક્રિકેટ રમવા મામલે મહિલા ઉપર હુમલો, સારવાર દરમિયાન મોત

ડીસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને ઠપકો આપતાં વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી પેટ પર લાતો મારી હતી
  • મૃતકનું પીએમ કરાવી ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી

ડીસા શહેરના ડોલીવાસમાં ક્રિકેટ રમવાના મુદ્દે બાળકોમાં થયેલ ઝઘડાએ વૃદ્ધ મહિલાનો જીવ લીધો છે. ત્રણ દિવસ અગાઉ મારામારીમાં ઘવાયેલી મહિલાનું મોત નિપજતાં મહિલાની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું.

ડીસા શહેરના મીરા મોહલ્લા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ ક્રિકેટ રમવા બાબતે બાળકો વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો. બાદમાં બાળકોના ઝઘડાને લઈ તેમના પરિવારો વચ્ચે બાખડયા હતા અને ચાર શખ્સોએ નુરબાનુ જહુરહુસેન નામની 65 વર્ષીય વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી જઈ જીવલેણ હુમલો કર્યો હતો. પેટમાં લાતો મારવાના કારણે નુરબાનુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને તેમના પરિવારજનો અને આજુબાજુના લોકોએ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જો કે પેટમાં ગંભીર ઇજા થઇ હોવાના કારણે સારવાર દરમિયાન નુરબાનુનું રવિવારે કરૂણ મોત નીપજયું હતું. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે ઘટના સ્થળે દોડી આવી મહિલાની લાશને પીએમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે હત્યારાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા શહેરમાં પાંચ દિવસ અગાઉ 20 રૂપિયા અને શનિવારે 500 રૂપિયાની લેતી-દેતીમાં બે યુવકોની હત્યા થઇ હતી તેમજ રવિવારે બાળકો વચ્ચે થયેલી બોલાચાલી જેવી સામાન્ય બાબતે હત્યાઓ થઇ રહી છે. જે સમાજ માટે પણ લાલબત્તી સમાન કિસ્સાઓ છે. આમ એક જ અઠવાડિયામાં ડીસામાં બે યુવક સહિત ત્રણની હત્યા થઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...