યુવાનો માટે મતદાન જાગૃતિ અભિયાન:ડીસાની કોલેજમાં પ્રથમવાર મતદાન કરવા જતાં યુવાનોને મતદાનની સમજણ અપાઈ; ડમી મતદાન મથક તૈયાર કરી યુવાનોને મતદાન કરાવ્યું

ડીસા13 દિવસ પહેલા

ભારત વિશ્વની સહુથી મોટી લોકશાહી છે અને ભારતમાં શાસન લોકો દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ દ્વારા કરવાં આવે છે. ત્યારે આજે પ્રથમવાર મતદાન કરવા જનારા યુવા મતદારોને મતદાનની પ્રક્રિયાની સમજણ મળે તે હેતુથી ડીસા ખાતે કોલેજમાં અભ્યાસ કરતાં અને આગામી ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોને મતદાન અંગે સમજણ આપવામાં આવી હતી.

મતદાન કેવી રીતે કરવું તેની સમજણ આપવામાં આવી
​​​​​​
​મતદાનએ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. ભારતનો નાગરિક 18 વર્ષનો થાય ત્યારે તેને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રથમવાર મતદાન કરવા જતાં યુવા મતદારો ઘણીવાર મતદાન કેવી રીતે કરવું તેની સમજણ ના હોવાના લીધે અસમંજસમાં મુકાઇ જતાં હોય છે. જેને પગલે સરકાર દ્વારા મતદાર સાક્ષરતા નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમવાર મતદાન કરવા જતાં યુવા મતદારોને મતદાન અંગે સમજણ આપવામાં આવી રહી છે. જેમાં મતદાન કેવી રીતે કરવું, મતાધિકારનું મૂલ્ય શું છે, અને લોકશાહીમાં મતદાનનું કેટલું મહત્વ છે તે અંગે સમજણ આપવામાં આવી રહી છે. આજે ડીસાની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં અને આગામી ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર તમામ વિધાર્થીઓને ડેમો મતદાન મથક તૈયાર કરી મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમજણ આપવામાં આવી હતી.

ડમી મતદાન મથક ઉભુ કરાયું
જેમાં કોલેજ ખાતે જ તૈયાર કરાયેલા ડમી મતદાન મથક માં કોલેજમાં અભ્યાસ કરતાં યુવા મતદારોને એક પછી એક બોલાવીને સમગ્ર મતદાનની પ્રક્રિયા સમજાવી હતી. આ અંગે પ્રો. તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે પ્રથમવાર મતદાન કરવા જતાં યુવા મતદારો કોઈ પણ જાતના ભય વગર મતદાન કરી શકે અને ચૂંટણીઓ પણ ન્યાયિક પ્રક્રિયા દ્વારા યોજાય તો સ્પષ્ટ જનાદેશ વાળી સરકારની રચના થાય. તેને લઈ યોજવામાં આવતા આવા કાર્યક્રમોને પગલે યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...