રાજ્યભરમાં સાયકલોન સિસ્ટમ ડિસ્ટર્બ થતા હવામાન વિભાગની આગાહી મુજબ અનેક ભાગોમાં કરા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ડીસા પંથકમાં પણ શનિવારે બપોર બાદ અચાનક હવામાન પલટી જતા કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસાના રાણપુર વચલા વાસ, વાસડા, રાણપુર આથમના વાસ સહિતના ગામોમાં બરફના કરા પડ્યા હતા.
રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વાતાવરણ ડહોળાયેલું છે. જેમાં ગઈકાલે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યા બાદ શનિવારે બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ અચાનક હવામાન પલટાયું હતું. જેમાં બનાસકાંઠાના ઉત્તર ભાગમાં ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ડીસાના રાણપુર, વચલાવાસ, રાણપુર આથમણા વાસ, વાસણા સહિતના ગામોમાં કરા પણ પડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા હવામાન પલટા અને વારંવાર થતાં કમોસમી વરસાદથી ખેડૂતોની રવિ સિઝન તો બગડી જ હતી.
હાલમાં ડીસા પંથકમાં મોટા પાયે તરબૂચ અને ટેટીનું વાવેતર થયેલું છે. જેમાં કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે ટેટી અને તરબૂચના પાકમાં કોકડીનો રોગ આવવાની સંભાવના વધી ગઈ છે. જેથી હાલમાં ઉછરી રહેલા છોડ સંકોચાઈને મુરઝાઈને નાશ પામે છે. જેથી ખેડૂતોની મહેનત પર ફરીથી વરસાદે પાણી ફેરવ્યું હોય તેવી સ્થિતિ ડીસા પંથકમાં સર્જાય છે અને વારંવાર કમોસમી વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.