દિન દહાડે છરીની ધારે લૂંટ:ડીસામાં બે શખ્સોએ ડોક્ટરના ઘરમાં ઘુસી લૂંટ આચરી; હાથમાંથી બે મોબાઈલની ચોરી કરી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

ડીસા24 દિવસ પહેલા

ડીસામાં દીન-દહાડે છરા સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ એક ડોક્ટરના ઘરમાં ઘૂસી લૂંટ આચરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ડીસા ઉત્તર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લૂંટ કરી ફરાર થઇ જનાર અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે.

ડીસામાં ગાયત્રી મંદિર સામે ડૉ. તપન ગાંધીની આકાશ ગાયનેક હોસ્પિટલ આવેલી છે. જ્યાં નીચે તેમની હોસ્પિટલ છે અને ઉપરના માળે તેઓ પરિવાર સાથે રહે છે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ ડોક્ટર હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરી રહ્યા હતા. તે સમયે તેમની હોસ્પિટલમાં કામ કરતી મહિલાએ ઉપરના ઘરમાં કોઈક છે. તેમ જણાવતા ડોક્ટર સ્ટાફના કેટલાક માણસો સાથે ઉપર ઘરે ગયા હતા અને દરવાજો ખુલતા જ છરા સાથે ઘરમાં ઘુસેલા અજાણ્યા બે શખ્સોએ ડોક્ટર પાસેથી બે મોબાઈલ પડાવી લીધા.

તેમ જ પૈસા ક્યાં છે? તેવું પુછતા ડોક્ટરે બંને શખ્સોને ધક્કો મારી બૂમાબૂમ કરતા નીચેથી સ્ટાફના અન્ય માણસો દોડી આવ્યા હતા. જો કે તે સમયે અજાણ્યા શખ્સો ડોક્ટર પાસેથી મોબાઇલની લૂંટ આચરી ત્યાંથી નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે ડીસા ઉત્તર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલે આવી પહોંચી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...