ડીસામાં મેઘ મલ્હાર:વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, બે દિવસમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો

ડીસા14 દિવસ પહેલા
  • વરસાદથી ખેડૂતોને ફરી એકવાર પાણીનાં તળ ઊંચા આવવાની આશા બંધાઈ

ડીસા પંથકમાં પણ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મેઘ મહેર કરી છે. છેલ્લા 48 કલાકથી સતત ધીમીધારે વરસાદ વરસતા અત્યાર સુધી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશાલ બન્યા છે.

ડીસામાં વાવેતર વધુ થવાની શક્યતાઓ વધી
ડીસામાં મોડે મોડે પણ વાવણી લાયક સાર્વત્રિક વરસાદ થયો છે. ડીસા શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં પણ છેલ્લા બે દિવસથી સતત ધીમીધારે અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઓછો થતાં પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા પહોંચી ગયા છે. તેવામાં આ વરસાદથી ખેડૂતોને ફરી એકવાર પાણીનાં તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે. ડીસા તાલુકામાં સૌથી વધુ ચોમાસાની અંદર વાવેતર થાય છે અને આ વખતે સારા વરસાદના કારણે ડીસામાં વાવેતર વધુ થવાની શક્યતાઓ પણ વધી છે.

ચોમાસામાં મગફળીનું સૌથી વધુ વાવેતર
ખાસ કરીને ચોમાસામાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે અને આ વરસાદથી પાકને ખૂબ જ મોટો લાભ થશે તેવું ખેડૂતો માની રહ્યાં છે. હજુ પણ વધુ વરસાદ આવે અને બનાસ નદી બે કાંઠે વહેતી થાય તો ડીસા તેમજ આજુબાજુના ખેડૂતોને તેનો મોટો લાભ મળી શકે તે માટે ખેડૂતોએ મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...