ગેરકાયદેસર દબાણો દૂર કરવા માગ:ડીસામાં ગાયત્રી મંદિર સામે દબાણો દૂર કરવા વેપારીઓની માગ; વારંવાર રજૂઆત બાદ પણ દબાણો દૂર ન થતા વેપારીઓમાં રોષ

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલા ગ્રીન હાઉસ શોપિંગ સેન્ટરનાં વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર સહિત પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરાઈ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા દબાણ દૂર ન થતાં વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે.

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો રાફડો ફાટયો છે. જેના લીધે અનેક રોડ-રસ્તાઓ સાંકડા બની ગયાં છે અને રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને શોપિંગ સેન્ટરોમાં પાર્કિગના અભાવે આડેધડ વાહનો પાર્ક કરવાની ફરજ પડી રહી છે. જ્યારે બીજી તરફ ગાયત્રી મંદીરની સામે આવેલા ગ્રીન હાઉસ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં શોપિંગ સેન્ટરનાં નીચેના ભાગમાં દુકાનદારો દ્વારા દુકાનોની આગળ નાસ્તાની લારીઓ ઉભી રાખવી તેમજ ફ્રૂટના દુકાનદારો દ્વારા દુકાનોની આગળ શેડ બનાવી દેવામાં આવતા શોપિંગનાં બીજા માળે વેપાર-ધંધો રોજગાર કરતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયાં છે.

શોપિંગ સેન્ટરની આગળ ગેરકાયદેસર લારી-ગલ્લા સહિત શેડ બનાવી દબાણો દૂર કરવા માટે અગાઉ પણ જિલ્લા કલેક્ટર સહિત નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ પોલીસ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી ન કરાતાં આજે ફરીથી વેપારીઓએ સાથે મળીને ડીસા શહેર પોલીસ અને જિલ્લા કલેકટર સહિત નેશનલ હાઇવે ઓથોરિટીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી શોપિંગ સેન્ટરની આગળ ગેરકાયદેસર દબાણો દૂર કરી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...